મતદારયાદી સુધારણા કાર્યક્રમઃ કાલથી શહેરના તમામ શોપિંગ મોલમાં અવેરનેસ કાર્યક્રમ

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારતના મુખ્ય ચૂંટણીપંચ દ્વારા ૧ જુલાઇથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વધુ ને વધુ મતદારો નોંધણી કરાવે તેના માટે હવે શહેરના તમામ શોપિંગ મોલમાં અવેરનેસ કાર્યક્રમ અાવતી કાલ રવિવારથી શરૂ કરાશે.

અત્યારે જે યુવાઓએ જાન્યુઆરી-ર૦૧૭ સુધીમાં ૧૮ વર્ષ પૂરાં કર્યાં હોય તેમનાં નામની નવી મતદારયાદીમાં નોંધણી કરવાનું, સરનામામાં ફેરફારની નોંધ કે મતદારયાદીમાં નામ ન હોય વગેરે આ તમામ બાબતોની સુધારણા માટેની કામગીરી માટે આવતી કાલ રવિવારે ૧૦ થી પ તમામ મતદાન કેન્દ્ર પર નામ સુધારવા, કમી કરવા, ઉમેરો કરવા માટેનાં ફોર્મ ૬, ૭, ૮ વગેરે માટે બૂથ લેવલ અધિકારી હાજરી આપશે. શહેરના તમામ શોપિંગ મોલમાં યુવા મતદારોને આકર્ષવા તેમજ મતદારયાદીમાં તેમનું નામ ઉમેરવા માટે જાગૃતિ કાર્યક્રમ યોજાશે, જેમાં યુવાઓને મતદાનનું મહત્ત્વ સમજાવાશે. આ માટે શોપિંગ મોલમાં હોર્ડિંગ્સ પણ લગાવાશે.

મતદારોએ નવા નામની નોંધણી માટે ફોર્મ નં. ૬, નામ રદ કરાવવા માટે ફોર્મ નં. ૭, વિગતોમાં ફેરફાર અને સુધારણા કરવા માટે ફોર્મ નં. ૮ ભરીને રજૂ કરવાનાં રહેશે. કોઇ પણ ફોર્મ www.ceo.gujarat.gov.in પર ઓનલાઇન પણ ભરી શકાશે અથવા આ માસના ત્રણ રવિવાર દરમ્યાન જે તે મતદાન કેન્દ્ર પર બૂથ લેવલ અધિકારી પાસે તેમનાં ફોર્મ રજૂ કરી શકશે. શોપિંગ મોલમાં એક સ્પેશિયલ ડેસ્ક મુકાશે, જ્યાં આ તમામ બાબતોની નાગરિકોને સમજ અપાશે.
http://sambhaavnews.com/

You might also like