૩૮ ભારતીયના અવશેષો લઈ વી. કે. સિંહ આજે રાત્રે ઇરાકથી ભારત આવશે

નવી દિલ્હી: મોસુલમાં બંધક બનાવીને મારી નાખવામાં આવેલા ૩૮ ભારતીય મજૂરના અવશેષો ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે. વિદેશ રાજ્યપ્રધાન વી. કે. સિંહ ગઈ કાલે સ્પેશિયલ વિમાન દ્વારા મોસુલ ગયા હતા. ત્યારબાદ તેઓ આજે ભારત પાછા ફરી રહ્યા છે. વી. કે. સિંહે જણાવ્યું કે ૩૮ ભારતીયોના અવશેષો તેમને સોંપી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે અવશેષો સોંપવા માટે ઇરાકની સરકારનો આભાર માનું છું. ૩૮ લોકોના અવશેષો અમને મળી ચૂક્યા છે, જ્યારે ૩૯મા મૃતદેહનું ડીએનએ મેચ કરવાનું હજુ બાકી છે. એવું લાગે છે કે તેમાંથી મોટા ભાગના લોકો આઇએસઆઇએસ આતંકીઓના હુમલાનો ભોગ બન્યા છે.

વી. કે. સિંહે આ તમામ અવશેષો લઇને ભારતીય વાયુસેનાનાના વિમાનમાં સૌથી પહેલાં પંજાબના અમૃતસર જશે. ત્યારબાદ પટણા અને બાદમાં કોલકાતા જઇને આ અવશેષો તેમનાં પરિવારજનોને સોંપી દેવામાં આવશે. અમૃતસરમાં પંજાબ સરકાર તરફથી કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ આ અવશેષો લેવા માટે એરપોર્ટ જશે.

ત્યારબાદ સ્થાનિક તંત્રની મદદથી અવશેષો પરિવારજનો સુધી પહોંચાડવામાં આવશે. આ દરમિયાન શબપેટીઓને વિમાનમાં ચડાવતી વખતે ભારતના વિદેશ રાજ્ય પ્રધાન વી. કે. સિંહે તેમને સલામી આપી. સિંહે આતંકવાદીઓની ટીકા કરી અને આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં ભારત સરકારનું વલણ જાહેર કર્યું હતું.

તેમણે આઇએસઆઇએસને અતિશય ક્રૂર સંગઠન જણાવીને કહ્યું કે અમારા દેશના નાગરિકો તેમની ગોળીઓનો શિકાર થયા છે. અમે દરેક પ્રકારના આતંકવાદની વિરુદ્ધમાં છીએ. મોસુલમાં આતંકી સંગઠન આઈએસઆઈએસએ ૩૯ ભારતીયોને મારી નાખ્યા હતા. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આ જ મહિને આ વાતને સંસદમાં કહી હતી.

You might also like