ટીવી પર ક્રિકેટ કરતાં કબડ્ડીને વધુ દર્શકો મળ્યા

નવી દિલ્હીઃ વિવો પ્રો-કબડ્ડી લીગની લોકપ્રિયતામાં દિન-પ્રતિદિન જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે લીગની પાંચમી સિઝને ટીવી દર્શકોના મામલામાં ક્રિકેટની રમતને પણ પાછળ છોડી દીધી છે. પાંચમી સિઝનની મેચોની ટીઆરપીએ તાજેતરમાં જ ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીના દર્શકોની સંખ્યાને ઘણી પાછળ ધકેલી દીધી. બાર્ક (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિચર્સ કાઉન્સિલ)તરફથી તાજેતરમાં જાહેર થયેલા રેન્કિંગમાં આ વાત સામે આવી છે.
બાર્કના રેટિંગમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે ૩૨મા સપ્તાહમાં ૩૧.૬ કરોડ લોકોએ સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ (અંગ્રેજી) અને સ્ટાર સ્પોર્ટ્સ (હિન્દી) પર પ્રસારિત થતી કબડ્ડીની મેચો નિહાળી. એમાં ઈંગ્લિશમાં પ્રસારિત મેચોને ૨૦.૬ કરોડ લોકોએ અને હિન્દીમાં પ્રસારિત થતી મેચોને ૧૦.૯ કરોડ લોકોએ ટીવી પર નિહાળી.
ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીની વાત કરવામાં આવે તો કુલ ૭.૯ કરોડ લોકોએ ત્રણ ટેસ્ટ મેચ ટીવી પર નિહાળી. આ સંખ્યા કબડ્ડીની સરખામણીએ ઘણી ઓછી છે. આનો સીધો અર્થ એ થયો કે જો તમે ભારતમાં સૌથી વધુ પસંદ કરાતા ટોચના પાંચ કાર્યક્રમોને જુઓ તો એમાં ક્રિકેટની રમત ક્યાંય નજરે પડતી નથી, જ્યારે કબડ્ડી આ યાદીમાં સામેલ છે.

You might also like