‘વિટામિન D’ની ઊણપ અત્યંત જોખમી

તમે ગમે તેટલું કેલ્શિયમ લો, પરંતુ વિટામિન ડી વગર તે હાડકાં સુધી પહોંચી શકતું નથી, વિટામિન ડીનો કુદરતી સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. શિયાળાના તડકામાં બિન્ધાસ્ત ફરો અને લાઈફ-સ્ટાઈલ ડિસીઝને અટકાવો

વિટામિન ડી સૂર્યના પ્રકાશમાંથી મળે છે તે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આ જાણવા છતાં આપણે ફ્રીમાં મળી આવતાં વિટામિન ડીને લઈને સહેજ પણ ગંભીર હોતા નથી. કેમ કે આપણને તેની ઊણપથી શું અસર થાય છે તેનો ખાસ ખ્યાલ નથી. અત્યાર સુધી એમ મનાતું હતું કે, વિટામિન ડીની ઊણપથી હાડકાંના રોગ થાય છે, પરંતુ તાજેતરનાં સંશોધનો મુજબ બ્લડપ્રેશર, હૃદયના રોગ, કૅન્સર તથા કેટલાક માનસિક રોગ માટે પણ વિટામિન ડીની ઊણપ જવાબદાર છે.

વિટામીન ડીની ઊણપનાં કારણો જણાવતાં અમદાવાદના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર કુંતલ ગજ્જર કહે છે કે, ‘વિટામિન ડીની ઊણપ આપણી લાઈફ- સ્ટાઈલને આભારી છે. રોજબરોજની જિંદગીમાં સૂર્યના તડકાથી બને એટલું પ્રોટેક્ટેડ રહીએ છીએ. બહાર જતી વખતે સનસ્ક્રીનના ઉપયોગથી પણ વિટામિન ડીની ઊણપ સર્જાઈ શકે છે.

વળી, આપણા ડાયટમાં પણ વિટામિન ડી હોતું નથી. હાડકાં સુધી કેલ્શિયમને પહોંચાડવા માટે વિટામિન ડી મહત્ત્વનું ઘટક છે. તમે ગમે તેટલું કેલ્શિયમ લો, પરંતુ વિટામિન ડી વગર તે હાડકાં સુધી પહોંચી શકતું નથી. જે રીતે વનસ્પતિ સૂર્યપ્રકાશ વગર કરમાઈ જતી હોય છે, મનુષ્યના શરીર માટે પણ એ જ વાત લાગુ પડે છે.
‘શાકાહારી ભોજન લેતાં લોકોમાં આ વિટામિનની ખાસ ઊણપ જોવા મળે છે. જોકે અમુક ડેરી પ્રોડક્ટ્સ અને ડ્રાયફ્રૂટ્સમાંથી વિટામિન ડી મળે છે, પરંતુ એની માત્રા ઘણી ઓછી છે.’

શું થાય?
હાડકાં અને સાંધાઓમાં સખત દુખાવો રહે, થાક જલદી લાગે, આળસ આવે, ડિપ્રેશન આવે કે બ્લડપ્રેશરમાં વધઘટ રહે, આમ આવાં અનેક લક્ષણોનું કૉમ્બિનેશન દર્શાવે છે કે, તમારામાં વિટામિન ડીની ખામી હોઈ શકે છે.વિટામિન ડીની કમીને કારણે હાડકાંમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસની કમી સર્જાતાં હાડકાં નબળાં પડી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ ઘટે
વિટામિન ડીની ઊણપથી રોગપ્રતિકારક શક્તિ પણ ઘટે છે. વારંવાર શરદી થવાથી લઈને બ્રેસ્ટ કૅન્સર અને ફેફસાનાં કૅન્સર માટે પણ એ જવાબદાર બને છે. વિટામિન ડીની ઊણપને કારણે ૩૫ વર્ષની ઉંમર પછી વજન વધવાની શકયતા રહે છે. આ ઉપરાંત વિટામિન ડી સ્કિન, વાળ અને દાંત માટે ખૂબ જ જરૂરી છે.

નાના બાળકને કૂણો તડકો અવશ્ય ખવડાવો
થોડા સમય પહેલાં થયેલા એક રિસર્ચ મુજબ બાળકોમાં છેલ્લાં પાંચ વર્ષોમાં વિટામિન ડીની ઊણપમાં ૨૦૦ ટકા જેટલો વધારો થયો છે, જેને કારણે બાળકોમાં પણ હાડકાંના રોગનું પ્રમાણ ખૂબ વધ્યું છે. છ મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીનાં બાળકોને બને એટલાં ઓછાં કપડાં પહેરાવી સવારના કૂણા તડકામાં રમવા દેવા જોઈએ.

આટલું ખાસ કરો
* દિવસમાં ૨૦ મિનિટ સનસ્ક્રીન લગાડ્યા વગર અને સનગ્લાસ પહેર્યા વગર તડકામાં ફરો. શિયાળાના તડકાનો ખૂબ લાભ લો.
* માત્ર વહેલી સવારના તડકામાંથી જ વિટામિન ડી મળે એ વાત સાચી નથી. આખા દિવસના તડકામાં વિટામિન ડી હોય જ છે. રોજ અનુકૂળતા ન હોય તો વીકમાં બેથી ત્રણ વાર પણ અડધો કલાક તડકામાં ઊભા રહો.
* વેજિટેરિયન લોકો ડ્રાયફ્રૂટ્સ, મશરૂમ, પાલક, ફણગાવેલાં કઠોળને ખોરાકમાં સામેલ કરે.

ભૂમિકા ત્રિવેદી

You might also like