જામીન મંજૂર થતાં હાર્દિક થશે જેલમુક્ત : પરિવારમાં ખુશીનો માહોલ

અમદાવાદ: અનામત આંદોલન સમિતિના (પાસ) સંયોજક હાર્દિક પટેલ વિરૂદ્ધ વિસનગરમાં નોંધાયેલા ગુના સંદર્ભે હાઈકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન જામીન માટે હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજી પરની સુનાવણીમાં કોર્ટે હાર્દિકને ત્રણ મહિના માટે મહેસાણા જિલ્લામાં નહી પ્રવેશવાની શરત સાથે જામીન મંજૂર કર્યા છે. અગાઉ રાજદ્રોના ગુનામાં હાર્દિકને છ માસ માટે રાજ્ય બહાર રહેવાની શરતે જામીન મળ્યા છે. ત્યારે છ માસ બાદ ગુજરાત પરત ફર્યા  બાદ હાર્દિક વધુ ત્રણ મહિના માટે મહેસાણામાં પ્રવેશ નહી કરી શકે.

જસ્ટીસ પી.  પી. ભટ્ટ સમક્ષ સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે મહેસાણા જિલ્લામાં જ સૌથી વધુ પાટીદાર અાંદોલન થયુ હોવાથી હાર્દિકને અા જિલ્લામાં પ્રવેશવાની પરવાનગી અપાય નહી. હાર્દિકના વકીલે જેલમાંથી બહાર અાવ્યા બાદ મહેસાણાના ઊંઝા ખાતે તેના કુળદેવીના દર્શને જવા દેવા માટેની પરવાનગી માગતા કોર્ટે તે પરવાનગી અાપી ન હતી.

હાર્દિકે પોતાના ઘરે જવા માટે પણ પરવાનગી માંંગી હતી પરંતુ તે માટે જસ્ટીસ પી. પી. ભટ્ટે હાર્દિકને રાજદ્રોહના ગુનામાં જામીન અાપનાર કોર્ટ સમક્ષ પરવાનગી માગવા જણાવ્યુ હતુ. સરકારી વકીલે વળતી દલીલ કરી હતી કે અા પ્રકારને હાર્દિકને તેની પસંદગીની જગ્યાઅે જવાની પરવાનગી અાપી  શકાય નહી. નવ મહિના બાદ પણ હાર્દિકે મહેસાણા જિલ્લામાં પ્રવેશ મેળવવા માટે કોર્ટની પરવાનગી મેળવવી પડશે.

રાજદ્રોહના કેસમાં હાઈકોર્ટે શરત મુકી હતી કે, હાર્દિક પટેલને જેલમાંથી છુટ્યા બાદ 48 કલાકમાં જ ગુજરાત છોડી દેવું પડશે. તો બીજી તરફ 9 મહિના મહેસાણામાં પ્રવેશબંધી અંગે પણ હાર્દિક પટેલના વકીલે રજૂઆત કરી હતી કે મહેસાણામાં હાર્દિક પટેલના  કુળદેવી ઉમિયા માતાનું મંદિર હોવાથી દર્શનની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે તેમની આ માંગણીને ગ્રાહ્ય રાખી ન હતી.

હાર્દિક પટેલની જામીન મળી જતાં હાર્દિકના પરિવાજનો તથા પાટીદાર સમુદાયમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. હાર્દિક પટેલના ગ્રામજનોએ ફટાકડા ફોડીને તથા એકબીજાને પેંડા ખવડાવીને મોંઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી. હાર્દિક પટેલ સુરત ગયા બાદ વિરમગામ આવશે ત્યારે તેના સ્વાગત માટે જોરદાર તૈયારી કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે હાર્દિક પટેલને જામીન મળી હોવાથી તે ગુજરાત બહાર કયા સ્થળે જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પટેલ જેલમાંથી મુક્ત થયા બાદ સુરતના વરાછામાં રેલી સંબોધિત કરશે. આ રેલી વરાછાના યોગી ચોકમાં યોજાઇ તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાટીદારો મોટી માટે તૈયારી કરી રહ્યાં હોવાનું પણ જાણવ મળ્યું છે.

રાજદ્રોહના કેસમાં હાર્દિકને જામીન આપવા સામે રાજ્ય સરકારે સતત નકારાત્મક વલણ દર્શાવ્યુ હતું અને હાર્દિકને જામીન આપવાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાશે તેવી દહેશત સરકારી વકીલે વ્યક્ત કરી હતી.

શું હતો વિસનગરનો કેસ
રાજ્દ્રોહના કેસમાં છ માસ માટે રાજ્ય બહાર રહેવાની શરતે જામીન પર છુટેલો હાર્દિક વિસનગર કેસના કારણે હજુ પણ જેલમાં બંધ છે ત્યારે આજની સુનાવણી પર સૌની નજર રહેલી છે. વિસનગરમાં હાર્દિકે સભા કર્યા બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા અને તોફાનોમાં ભાજપના ધારાસભ્ય રૂષિકેશ પટેલની ઓફિસમાં પાટીદાર યુવાનોએ તોડફોડ કરી હોવાની તેમજ આ ઘટનાનું રેકોર્ડિંગ કરી રહેલા પત્રકારને માર મારી તેનો મોબાઈલ ફોન લૂંટી લીધા હોવા અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

આ કેસમાં જામીન મેળવવા માટે હાર્દિકે અગાઉ વિસનગર કોર્ટમાં અરજી કરી હતી પરંતુ વિસનગર કોર્ટે તેના જામીન ફગાવતા હાર્દિકે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી જેના પર આજે સુનાવણી યોજાશે.

You might also like