કોમ્પ્લેકસ, એપાર્ટમેન્ટ અને સોસાયટીનાં પાર્કિંગમાં વિઝિટર્સ વાહન મૂકી શકશે

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન વિકટ બનેલી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને ચાલી રહેલી ઝુંબેશને પગલે અનેક રસ્તા ખુલ્લા થયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ પે એન્ડ પાર્કની સુવિધા પૂરી પાડવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે.

જોકે રોડ પર આડેધડ પાર્ક થતાં વાહનો અટકાવવા મામલે જે તે રોડ પરનાં કોમ્પ્લેકસ, એપાર્ટમેન્ટ અને સોસાયટીનાં પાર્કિંગમાં વિઝિટર્સના વાહનને મૂકી શકાશે.

ટ્રાફિક જામની સમસ્યા માટે અન્ય કારણોની જેમ રોડ પરનાં કોમ્પ્લેકસ, એપાર્ટમેન્ટ અને સોસાયટીના સંચાલકો દ્વારા વિઝિટરનાં વાહનનાં પાર્કિંગને ફરજિયાત પણે રોડ પર મૂકવા માટેની જોરજબરદસ્તી પણ જવાબદાર છે. જેના કારણે વિઝિટરને પોતાનાં વાહનો ના છૂટકે રોડ પર મૂકવાં પડે છે.

અનેક કોમ્પ્લેકસમાં ગેરકાયદે બાંધકામને કારણે પાર્કિંગ માટે જગ્યા રહી નથી. જેના કારણે તંત્રએ આવાં કોમ્પ્લેકસનાં ગેરકાયદે બાંધકામ તોડી પાર્કિંગ જગ્યા મોકળી કરવાની ઝુંબેશ હાથ ધરી હતી.

શહેરનાં ૧૬૦૦થી વધુ કોમ્પ્લેકસ, એપાર્ટમેન્ટ અને સોસાયટીના સંચાલકોને તેમને ત્યાં આવતાં વિઝિટરને પોતાના પાર્કિંગમાં પૂરતી જગ્યા આપવાની તાકીદ કરાઇ છે.

સત્તાધીશોના આદેશ મુજબ હવેથી કોમ્પ્લેકસ, એપાર્ટમેન્ટ અને સોસાયટીના પાર્કિંગમાં વિઝિટર પાર્કિંગનાં પણ સાઇનેઝ બોર્ડ મૂકવાં પડશે. આ ઉપરાંત લોકોને તકલીફ ન પડે તે માટે કાર પાર્કિંગ અને ટુ વ્હીલર પાર્કિંગ એમ અલગ અલગ પ્રકારનાં સાઇનેઝ બોર્ડ લગાવવાં પડશે.

You might also like