દરેક યુગમાં શા માટે વિષ્ણુનો અવતાર?

આ એક પુરાણકથા છે. ભક્ત અંબરીષ પાકા વિષ્ણુભક્ત છે. તેઓએ તેમના જન્મથી મોક્ષે ગયા ત્યાં સુધી પ્રત્યેક એકાદશી કરી છે. તેઓ બહુ દૃઢ નિશ્ચયી તથા પાકા વિષ્ણુભક્ત. તેમનો આતિથ્યસત્કાર તો ગજબનો. આખો દિવસ તે હરિ ચિંતનમાં વિતાવે. તેમનાં પ્રત્યેક કાર્યમાં, રાજ કારોબારમાં પણ અગ્રસ્થાને તો હરિ ચિંતન જ હોય.
એક વખતની વાત છે. તેમના એકાદશી વ્રતના પ્રેમની વાત ક્રોધ મૂર્તિ દુર્વાસા સુધી પહોંચી. દુર્વાસા તેમની પરીક્ષા કરવાના ઇરાદે તથા તેમની એકાદશી વ્રત તોડાવાના ઇરાદાથી અતિથિ બની ૮૮૦૦૦ ઋષિઓ સાથે તેમના મહેલે પધાર્યા છે. તે વખતે સાધના દ્વાદશી માત્ર એક ઘડી જ બાકી હતી.

દુર્વાસાને આટલા ઋષિ સાથે પધારેલા જોઇ હવે શું થશે? તેની કલ્પના અંબરીષને થવા લાગી. છતાં તેમણે ઋષિ દુર્વાસા તથા અન્ય મુનિઓનું ભવ્ય સ્વાગત કર્યું. તે તમામને અર્ધ્ય આપી તેમને નદી સ્નાન કરવા જવા સૂચવ્યું. સાથે ખૂબ વિવેકથી તેમને વેળા સર પાછા પધારવા કહ્યું. સાથે કહ્યું કે હવે દ્વાદશીની માત્ર એક ઘડી બાકી છે.

ઋષિઓ સહિત દુર્વાસા ઇરાદા સહ નદી સ્નાને ગયા. તેમણે ત્યાં ખૂબ વિલંબ કર્યો. આ બાજુ સાધના ઘટિકા આવી જતાં અંબરીષે વ્રત ભંગ થવાની બીકે તીર્થોદક લઇ પારણું કર્યું છે. ઋષિઓ માટે પકવાન બનાવડાવ્યાં છે. સ્નાન કરી ઋષિવૃંદ સહિત દુર્વાસા પરત આવ્યા છે. તેમણે રાજા અંબરીષનું મુખ જોઇ પૂછ્યું કે, “હે રાજન, આ શું? તેં અમને મૂકી ભોજન કર્યું? અતિથિને જમાડ્યા સિવાય તું જમ્યો જ કેમ?” તેમણે અંબરીષને શ્રાપ આપ્યો. તેથી અંબરીષ વિષ્ણુ સ્મરણ કરવા લાગ્યા. વિષ્ણુ ભક્તને સંકટમાં જાણી વૈકુંઠ છોડી તેના મહેલમાં પધાર્યા. કારણ ભગવાન તો ભક્ત વત્સલ છે.

દુર્વાસાએ શ્રાપ આપતાં કહ્યું હતું કે, “હે રાજન, અતિથિને જમાડ્યા સિવાય તું જમ્યો તેથી જગતની અખિલ યોનિઓમાં તારો જન્મ થશે. અનેક કાળ સુધી અનેક ગર્ભાવાસનાં દુઃખ તારે ભોગવવાં પડશે.” તે જ વખતે ભગવાનને ત્યાં પ્રગટેલા જોઇ અંબરીષ તો તેમનાં ચરણોમાં નમી પડ્યા.
તેમનો વિનય જોઇ ભક્ત ઉપર પ્રસન્ન થયેલા વિષ્ણુએ ક્રોધી દુર્વાસાને કહ્યું કે, “હે મહામુનૈ, આપનો શ્રાપ મિથ્યત્વ પામી શકતો નથી. ભક્ત અંબરીષ મારો ભક્ત છે. તેના યોગક્ષેમની તમામ જવાબદારી મારી છે. આપ અંબરીષને આપેલો શ્રાપ મને આપી દો. તેમને માફ કરો.”

વિષ્ણુના વિનયયુક્ત વચન સાંભળી દુર્વાસાનો ક્રોધ શાંત થયો. તેઓ ક્રોધી ખરા, પરંતુ ખૂબ બુદ્ધિવાન. તેમણે વિચાર્યું કે જેનાં દર્શન પણ દુર્લભ છે તે ભગવાનનો મારા શ્રાપને કારણે અચાનક મૃત્યુલોકનાં પ્રાણીઓને સાક્ષાત્કાર થતાં તેમનો પણ ઉદ્ધાર થશે.

તેથી તેમણે અંબરીષને આપેલો શ્રાપ પાછો ખેંચી જગત કલ્યાણાર્થે તે શ્રાપ વિષ્ણુને આપતાં કહ્યું કે, “હે કમલનયન, તમે ભારતભૂમિમાં યુગે યુગે જગત કલ્યાણાર્થે જન્મ લેશો. દશ વખત તમે જન્મ લેશો તે પછી શ્રાપમુક્ત થશો. તમારા પ્રત્યેક અવતારથી જગતનાં દુઃખી પ્રાણીઓનો ઉદ્ધાર થશે. પાપીઓનો નાશ થશે. જગત પાપમુક્ત થશે.” આમ ભગવાને, જગત્પિતાએ ગર્ભાવાસની નવ નવ વખત પીડાને સહન કરી છે. તેમનો હવે દશમો અવતાર કલ્કિ બાકી છે. તે પછી ભગવાન વિષ્ણુ શાપ મુક્ત થશે.

ભગવાન વિષ્ણુએ દુર્વાસાનો શ્રાપ માથે ચડાવતાં જ દુર્વાસા પણ ખૂબ પ્રસન્ન થયા. તેઓ ભક્ત વત્સલ વિષ્ણુની કૃપા જોઇ ગદ્ગદ્ થયા. તેમણે ભગવાન વિષ્ણુનું ચતુર્વિધરીતે પૂજન અર્ચન કર્યું. તે પછી તેઓ ભગવાન વિષ્ણુની તથા ભક્ત રાજા અંબરીષની રજા લઇ પાછા સ્વસ્થાને ગયા.
ભક્ત અંબરીષનું સદૈવ હરિચિંતન તથા એકાદશી પ્રત્યેનો અદ્ભુત પ્રેમ ભગવાન વિષ્ણુને વૈકુંઠમાંથી એકાએક પૃથ્વી ઉપર ખેંચી લાવ્યો. ભગવાન વિષ્ણુ ભક્તવત્સલ છે. જે ભક્ત તેમની પ્રત્યેક એકાદશી ખૂબ શ્રદ્ધાથી કરે છે તેનો તેઓ ઉદ્ધાર કરે છે. તેને મોક્ષ આપે છે.
અંબરીષ નામના એક ભક્ત રાજાએ એકાદશી વ્રતનાં પાલન માટે ભગવાન વિષ્ણુને પણ દશ અવતાર લેવા મજબૂર કર્યા છે. ભગવાન કેટલા ભક્તવત્સલ છે તે બાબત આ કથા કહી જાય છે. •
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like