વિષ્ણુના હાથમાં જીવનાં ચાર આંતરિક સાધનો

મનુષ્યનું સ્થૂળ શરીર તો યંત્ર માત્ર છે. મનુષ્યનું ખરું સંચાલન તો તેનામાં રહેલ ‘અંતઃકરણ ચતુષ્ટ્ય’ દ્વારા જ થાય છે. આ આંતરિક સાધનો છે-મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ભગવાનના હાથમાં રહેલ શંખ, ચક્ર, ગદા, પદ્મ એ ચાર આંતરિક સાધનોનાં જ પ્રતીક છે. મનની ગતિ અતિ તેજ છે અને તે જુદા જુદા ઝડપના સંકલ્પો-વિકલ્પો દ્વારા માનવી નચાવે છે મનની ગતિ વિષ્ણુ ભગવાનના હાથના ચક્ર જેવી છે. આ મન પ્રભુશક્તિને લીધે જ ગતિ ધરાવે છે. તેથી આ ‘મન’ને પ્રભુના હાથમાં સોંપી દઈએ-એ જ છે ચક્રનો સંદેશ. બુદ્ધિ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે જ તો નિર્ણાયક શક્તિ છે. બુદ્ધિને સાચો રાહ પસંદ કરવાની પ્રેરણા મળે તે માટે તો પ્રભુએ હાથમાં ગદા રાખી છે. અજ્ઞાન અને અવિવેકનો ભાંગીને ભૂકો કરનારી છે. ગદા. આપણે આપણી ‘બુદ્ધિ’ને પ્રભુના હાથમાં સોંપી દઈએ એ જ છે ગદાનો સંદેશ.

ભગવાન વિષ્ણુના હાથનો શંખ એ માનવના અહંકારનું પ્રતીક છે અને આ અહંકારનો શંખ જ માનવ રાત-દિવસ વગાડતો રહ્યો છે. ‘આ મારું છે’, ‘આ મેં કર્યું છે’એવાં તેનાં ઉચ્ચારણોમાં આ અહંનો જ શંખધ્વનિ સંભળાય છે. પ્રભુના હાથમાં ‘અહંકાર’ પણ સોંપી જઈએ એ જ છે શંખનો સંદેશ. ભગવાન વિષ્ણુના હાથનું કમળ એ ચિત્તનું પ્રતીક છે, જ્યારે માનવને તત્ત્વનો બોધ થાય છે ત્યારે તે કમલવત્ બની જાય છે. તેનો કોઈ લોપાયમાન કરી શકતું નથી, તે નિર્લેપ છે, ચિત્તની નિર્લેપતાને જ કમળ પ્રદર્શિત કરે છે. પ્રભુના હાથમાં ‘ચિત્ત’ને સોંપી દઈએ છે જ છે કમળનો સંદેશ.•

You might also like