વીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર

વૈશાખ સુદ ત્રીજઃ ‘સાત ચિરંજીવી’માં એક ગણાતા પ્રભુ પરશુરામ અને માતા રેણુકાજીનાં મંદિરો ભારતમાં અનેક જગ્યાએ આવેલાં છે. વીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર ગણાય છે. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ (કુહાડી, ફરશી)ને કારણે એ ‘પરશુરામ’ નામથી સુપ્રસિદ્ધ છે.

બ્રહ્માનાં દસ માનસપુત્રોમાંનાં એક એવા ભૃગુઋષિનાં વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાનાં એ સુપુત્રે પોતાનાં તપ, શાસ્ત્રો અને શસ્ત્રો વડે એટલો પ્રભાવ સિદ્ધ કર્યો કે વિષ્ણુનાં દસ અવતારોમાં, રામના પુરોગામી છઠ્ઠા અવતાર તરીકે એ પ્રતિષ્ઠા પામ્યા. ભગવાન શંકર પાસે એમણે ધનુર્વિદ્યાની તાલીમ પ્રાપ્ત કરી હતી.

ક્ષત્રિયોએ એમનાં પિતા જમદગ્નિની હત્યા કરી તેથી ક્રોધિત થયેલા પરશુરામે ક્ષત્રિયો પર વેર વાળવાની પ્રતિજ્ઞા લીધી. પૃથ્વીને એકવીસ વાર ન-ક્ષત્રી (ક્ષત્રિય વિનાની) કરવાની પ્રતિજ્ઞા લઈ એનું પાલન પણ કર્યું. ક્ષત્રિયો પ્રત્યેનો તેમનો દ્વેષ જગજાહેર બન્યો. પિતા જમદગ્નિએ જ્યારે પોતાના પાંચ પુત્રોને માતા રેણુકાનો શિરચ્છેદ કરવાનો (માથું કાપવાનો) આદેશ આપ્યો હતો ત્યારે માતૃહત્યા જેવું અધમ પાપ આચરીને પણ પિતૃઆજ્ઞાનું પાલન કરનાર પુત્ર તો એક પરશુરામ જ હતાં.

અલબત્ત, પુત્રનાં આજ્ઞ પાલનથી પ્રસન્ન થયેલા પિતાએ વરદાન આપ્યું. એ વરદાનમાં પરશુરામે માતાનું પુનર્જીવન પોતાની ચિરંજીવિતા અને અજેયતા માગી લીધાં. વસિષ્ઠના પ્રપૌત્ર અને વિશ્વામિત્રના ભાણેજ એવા પરશુરામે પોતાનું અવતાર કાર્ય સમાપ્ત કર્યા પછી અશ્વમેધ યજ્ઞમાં કશ્યપ મુનિને અઢાર દ્વીપ સહિતની પૃથ્વી દાનમાં આપી દીધી. ત્યાર પછી મહેન્દ્ર પર્વત પર એ તપ કરવા ચાલ્યા ગયા. આજે પણ એ ત્યાં તપ કરી રહ્યા છે એવી માન્યતાને કારણે પુરાણોએ એમને ‘સાત ચિરંજીવી’માં એક ગણ્યા છે.

ભારતમાં અનેક જગ્યાએ પરશુરામ અને તેમનાં માતા રેણુકાજી ક્ષેત્રો છે ત્યાં તેમની શાંત મનોરમ્ય અને ઉગ્રરૂપે મૂર્તિનાં દર્શન થાય છે. તેમનાંં મહત્ત્વનાં ક્ષેત્રો આ પ્રમાણે છે:

મહેન્દ્રગિરિ પશ્ચિમી ઘાટ પર છે, જ્યાંથી હનુમાનજી કૂદીને લંકામાં પ્રવેશ્યા હતા. બીજો મહેન્દ્રગિરિ પૂર્વીઘાટમાં છે જે ઓડિશાના મધ્યભાગ સુધી ફેલાયેલો છે. સિમલા પાસે ગિરિ નદીના કિનારે રેણુકા તીર્થ છે ત્યાંના મંદિરમાં પરશુરામની પ્રાચીન મૂર્તિ છે તથા પરશુરામ તળાવ છે.સિમલાથી ૯૦ માઈલ દૂર બુશહર નામનું સ્થળ છે.

ત્યાંથી સતલજ નદીના સામે કાંઠે સાત માઈલ દૂર નૃમુંડ નામના સ્થાનમાં અંબિકા દેવીનું મંદિર છે ત્યાં પરશુરામે તપશ્ચર્યા કરેલી ત્યાં એક ગુફામાં ભગવાન પરશુરામની ચાંદીની મૂર્તિ છે જે ‘કાલકા પરશુરામ’ તરીકે ઓળખાય છે. ફરુખાબાદ જિલ્લાના કાંપિલમાં કપિલ મુનિની કુટિર અને દ્રૌપદીકુંડ છે ત્યાં પણ પ્રભુ પરશુરામનું પ્રાચીન મંદિર છે.

આગ્રાથી મથુરા વચ્ચે ‘રૂનકતા’ ગામ છે જે રેણુકા ક્ષેત્રથી ઓળખાય છે. ત્યાં એક ટેકરી પર પરશુરામનું મંદિર છે. દક્ષિણના રત્નાગિરિ જિલ્લાના ચિપલૂણ ગામથી થોડા માઈલના અંતરે આવેલા ગોવલકોટ નામનું સ્થાન છે જે પરશુરામ ક્ષેત્ર કહેવાય છે. ત્યાં પહાડી પર પરશુરામનું ભવ્ય મંદિર છે.

મુખ્ય મંદિરમાં ભાર્ગવરામ, પરશુરામ તથા કાલારામ એ ત્રણ નામથી પ્રખ્યાત પરશુરામની ત્રણ મૂર્તિઓ છે ત્યાં અખાત્રીજનો મોટો મેળો ભરાય છે. ત્યાનાં રસ્તે માતા રેણુકાજીનું પણ નાનું મંદિર આવેલું છે. ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ સુદ ત્રીજના દિવસે થયો હતો. આ દિવસને અખાત્રીજ પણ કહેવાય છે.

You might also like