વિદેશમાં વિઝા-નોકરીની લાલચમાં ૪૦થી વધુ વિદ્યાર્થીઓ છેતરાયા

અમદાવાદ: અલગ અલગ રાજ્યના ૪૦ જેટલા હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂ.૪૦,૦૦૦ લેખે કુલ ૧૬ લાખ દસ હજાર રૂપિયાની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. બેંગલુરુનાે એક શખસ આ છેતરપિંડી કરી ફરાર થઇ જતાં નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નિકોલ-નરોડા રોડ પર આવેલ ધરણેન્દ્રનગર સોસાયટીમાં રહેતાં વત્સલાબહેન નાયર વિઝા અપાવવા અંગેનાં સલાહ-સૂચનની કામગીરી કરે છે. મૂળ બેંગલુરુના રહેવાસી અને નવરંગપુરાના ચીનુભાઇ ટાવરમાં ઓફિસ ધરાવતા શશીધરન ગટેરી સાથે તેઓની ઓળખાણ થઇ હતી. શશીધરન વિદેશમાં નોકરી અને વિઝા અપાવવાનું કામ કરતો હોઇ તેણે વત્સલાબહેનને કોઇ યુવકને વિદેશ જવું હોય તો તે મોકલી આપશે કહી વિશ્વાસમાં લીધા હતા.

અલગ અલગ રાજ્યના ૪૦ જેટલા વિદ્યાર્થીઓનું ગ્રૂપ વત્સલાબહેનના સંપર્કમાં હોવાથી તેઓએ શશીધરન સાથે મુલાકાત કરી નોકરી આપવા અંગે એક વિદ્યાર્થી પાસેથી રૂ.૪૦ હજાર લેખે રોકડા અને ચેક દ્વારા રૂ.૧૬ લાખ લીધા હતા. બાદમાં એરપોર્ટની નજીક આવેલી તાજ હોટલમાં ઇન્ટરવ્યૂ ગોઠવવાનું કહી આરોપી શશીધરને હોટલમાં બુકિંગના રૂ.૧૦,૦૦૦ પણ ભરવા કહ્યું હતું. ઇન્ટરવ્યૂના દિવસે વત્સલાબહેન અને વિદ્યાર્થીઓ તાજ હોટલ પહોંચ્યા હતા. પરંતુ શશીધરન આવ્યો ન હતો અને તેનો ફોન પણ બંધ આવતો હતો. છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

You might also like