સહેવાગે ટ્વિટ કર્યુંઃ ‘બસ ઇત્તા સા રહ ગયા, સ્મિથ કો સહી ફૈસલા દેને મેં…’

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર બહુ જ લોકપ્રિય છે. પોતાના ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છાઓની સાથે તેણે ઘણી દિગ્ગજ હસ્તીઓની ઠેકડી ઉડાવી છે. આ વખતે વીરુનો શિકાર શ્રીલંકાનો અમ્પાયર કુમાર ધર્મસેના બન્યો છે. અસલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન ડે શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ વિરુદ્ધ બોલર દ્વારા કરવામાં આવેલી અપીલ અંગે સહેવાગે ટ્વિટ કર્યું, ”બસ ઇત્તા સા રહ ગયા, સ્મિથ કે સહી ફૈસલા દેને મેં… ભારત ઔર બાંગ્લાદેશમાં કામયાબી કે બાદ…” હાલ ધર્મસેના ઓસ્ટ્રેલિયામાં અમ્પાયરિંગ કરી રહ્યો છે.

ધર્મસેનાએ સ્ટીવ સ્મિથને વિકેટકીપર દ્વારા કેચઆઉટ જાહેર કરી દીધો, પરંતુ ડીઆરએસ બાદ ધર્મસેનાએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો ને સ્મિથને નોટઆઉટ જાહેર કરવો પડ્યો હતો. આ જ ઘટના અંગે વીરુએ ટ્વિટર ધર્મસેનાની ખિલ્લી ઉડાવી હતી.
આ પહેલાં પણ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી શ્રેણીમાં કુમાર ધર્મસેના અમ્પાયર હતો. એ શ્રેણી દરમિયાન પણ કુમાર ધર્મસેનાના ઘણા નિર્ણયો ખોટા સાબિત થયા હતા. બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોઇન અલીને ધર્મસેનાએ ત્રણ વાર આઉટ જાહેર કર્યો, પરંતુ ત્રણેય વાર ડીઆરએસને કારણે મોઇન નોટઆઉટ જાહેર થયો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં પણ ધર્મસેના અમ્પાયર હતો. ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન બેટિંગ કરી રહેલા સ્ટુઅર્ટ બ્રોડના પેડ સાથે ટકરાયેલાે બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો, પરંતુ ધર્મસેનાએ પોતાની આંગળી ઊંચી કરીને બ્રોડને આઉટ જાહેર કરી દીધો હતો.
http://sambhaavnews.com/

You might also like