વીરુ બોલ્યોઃ અમ્પાયર બની ગયા બેન્ક કર્મચારી, કહ્યું લંચ બાદ આવજો

સેન્ચુરિયનઃ ભારતને સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન વન ડેમાં જીતવા માટે માત્ર બે રનની જરૂર હતી ત્યારે અમ્પાયરોએ લંચના નિયમનો ઉલ્લેખ કરીને રમત અટકાવી દીધી. આઈસીસીના આ વિચિત્ર નિયમની દરેક જગ્યાએ ટીકા થઇ રહી છે.

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ટ્વિટર પર અમ્પાયરના આ નિર્ણયની મજાક ઉડાવીને લખ્યું કે, ”જાહેર ક્ષેત્રની બેંકો ગ્રાહકો સાથે જેવો વ્યવહાર કરે છે તેવો વ્યવહાર અમ્પાયરોએ ભારતીય બેટ્સમેનો સાથે કર્યો ને કહી દીધું લંચ પછી આવજો.”

વિન્ડીઝના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર માઇકલ હોલ્ડિંગે અમ્પાયરના આ નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. તેમણે કોમેન્ટરી દરમિયાન કહ્યું કે, ”આઈસીસી રમતને આકર્ષક બનાવવા માગે છે, પરંતુ આ હાસ્યાસ્પદ નિર્ણય છે.”

આ મેચમાં જો લંચ બ્રેક બાદ વરસાદનું સંકટ આવ્યું હોત અને નિર્ધારિત સમય સુધી વરસાદ થંભ્યો ના હોત તો મેચને રદ જાહેર કરી દેવાઈ હોત. ભારત મજબૂત સ્થિતિમાં હતું તેમ છતાં અહીંયા ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરી શકાય તેમ નહોતો, કારણ કે નિયમ મુજબ બીજી ઈનિંગ્સમાં ૨૦ ઓવરની રમત પૂરી થવી જરૂરી છે અને લંચ બ્રેકના સમય સુધીમાં ૧૯ ઓવર જ થઈ હતી.

આ ઘટના પછી સેન્ચુરિયન વન ડેના અમ્પાયર અલીમ દાર, એડ્રિયન હોલ્ડસ્ટોક અને મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટની ટીવી કોમેન્ટેટર્સ અને ક્રિકેટ એક્સપર્ટે મજાક ઉડાવી હતી. ગઈ કાલની મેચમાં અમ્પાયરોના નિર્ણયે ભારતની જીતને ૪૦ મિનિટ સુધી રોકી દીધી હતી. સેહવાગ ટ્વિટર પર અનોખા અંદાજમાં ટ્વિટ કરવા ક્રિકેટ વર્લ્ડમાં જાણીતો છે.

You might also like