‘નાડા’ની એન્ટી ડોપિંગ અપીલ પેનલમાં વીરુનો સમાવેશ કરાયો

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને દિલ્હીના ભૂતપૂર્વ ક્રિકેટર વિનય લામ્બાને ‘નાડા’ની એન્ટી ડોપિંગ અપીલ પેનલ (એડીએપી)ના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં ક્રિકેટરોને સામેલ કરાયા હોય તેવું પહેલી વાર બન્યું છે.

સેહવાગ અને ૧૯૬૭થી ૧૯૮૧ દરમિયાન દિલ્હી તરફથી પ્રથમ કક્ષાની ૭૬ મેચ રમનારા વિનય લામ્બા નિવૃત્ત ન્યાયાધીશ આર. વી. ઈશ્વરના નેતૃત્વ હેઠળની છ સભ્યોની સમિતિમાં સામેલ થયા છે. સમિતિના અન્ય સભ્યોમાં વરિષ્ઠ વકીલ વિભા દત્તા મખીજા, ડો. નવીન ડાંગ અને હર્ષ મહાજન સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમિતિની ગઈ કાલે બેઠક યોજાઈ હતી, જોકે વીરુ એ બેઠકમાં સામેલ થયો નહોતો.

‘નાડા’એ એન્ટી ડોપિંગ ડિસિપ્લિનરી પેનલ (એડીડીપી)ના સભ્યોની પણ નિમણૂક કરી છે, જેમાં આશ્ચર્યજનક રીતે ભૂતપૂર્વ વેઇટ લિફ્ટર કુંજરાની દેવીને પણ સામેલ કરવામાં આવી છે. કુંજરાનીને ૨૦૦૧માં ડોપિંગ બદલ પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. હવે કુંજરાની અન્ય સભ્યો સાથે મળીને એ નક્કી કરશે કે કોઈ એથ્લીટ ડોપિંગ બદલ દોષી છે કે નહીં.

You might also like