વિસ્ફોટક વીરુ અને ગેલ શારજાહમાં રમાનારી ટી-૧૦માં ધમાલ મચાવશે

બેંગલુરુઃ ભૂતપૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ, વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેલ, પાકિસ્તાનનો શાહિદી આફ્રિદી અને શ્રીલંકાનો ભૂતપૂર્વ વિકેટકીપર- બેટ્સમેન કુમાર સંગાકારા સંયુક્ત આરબ અમિરાતમાં ટી-૧૦ લીગ (ટેન ક્રિકેટ લીગ)માં રમશે. આ લીગમાં ટીમ પંજાબી, ટીમ પખ્તુન, ટીમ મરાઠા, ટીમ બાંગ્લાસ, ટીમ લંકન્સ, ટીમ સિંધી અને ટીમ કેરટિસ સહિત અન્ય ટીમો પણ ભાગ લેશે. પાકિસ્તાનનાે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી ટીમ પખ્તુનનો કેપ્ટન હશે. પખ્તુન ટીમના માલિક હબીબ ખાને કહ્યું, ”હું આફ્રિદીને ટીમમાં સામેલ કરીને બહુ જ ખુશ છું. તે વિશ્વના મહાન ક્રિકેટર્સમાંનો એક છે. તે મારી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હોવાથી ટીમ મજબૂત બનશે.”

આ લીગમાં ૯૦ મિનિટની મેચમાં દસ-દસ ઓવરના મુકાબલા રમાશે. આ લીગની શરૂઆત ૨૧ ડિસેમ્બરથી શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. ટી-૨૦ લીગના અધ્યક્ષ શાજી ઉલ મુલ્કે કહ્યું, ”અમે ટી-૧૦ના ફોર્મેટને લાવીને ખુશ છીએ અને ૯૦ મિનિટની આ રમતમાં ફટાફટ ક્રિકેટ જોવા મળશે.”

You might also like