ધોનીથી ચડિયાતો કેપ્ટન સાબિત થશે વિરાટ?

અમદાવાદઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટેસ્ટમાં મોટી જીત સાથે ભારતે ૩-૦થી શ્રેણી જીતી લીધી. કેપ્ટન તરીકે વિરાટનો આ સતત બીજો શ્રેણી વિજય છે. આ જીત સાથે જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત અને એશિયામાં વિરાટ કોહલી ટેસ્ટમાં ધોનીના સ્થાને ટીમને સંભાળવા માટે તૈયાર છે. ભારત વિરાટની કેપ્ટનશિપ હેઠળ અત્યાર સુધીમાં ૧૦ ટેસ્ટ રમ્યું છે, જેમાં પાંચમા જીત મળી છે, બે ટેસ્ટમાં ભારત હાર્યું છે, જ્યારે ત્રણ ટેસ્ટ ડ્રો રહી છે. વિરાટે ત્રણ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતમાં વિજય મેળવ્યો છે, જ્યારે બે ટેસ્ટ શ્રીલંકામાં પોતાની કેપ્ટનશિપ હેઠળ જીતી છે. એશિયાની બહાર વિરાટ હજુ સુધી કોઈ ટેસ્ટ જીત્યો નથી.

બીજી બાજુ ધોનીનો ટેસ્ટ રેકર્ડ જોઈએ તો તે ભારતનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે, પરંતુ વિદેશમાં ધોનીને પણ ક્યારેક જ જીત હાંસલ થઈ છે. ધોનીએ ૬૦ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું છે. ભારતમાં ધોની ૩૦માંથી ૨૧ મેચ જીત્યો છે, પરંતુ વિદેશમાં રમાયેલી ૩૦માંથી ફક્ત છ ટેસ્ટમાં ધોની ટીમ ઇન્ડિયાને જીત અપાવી શક્યો છે. ધોનીએ ટેસ્ટની કેપ્ટનશિપ પણ એટલા જ માટે છોડી હતી, કારણ કે વિદેશી ધરતી પર ટીમ ઇન્ડિયા સતત હારી રહી હતી અને ટીમની ચારેતરફ ખૂબ ટીકાઓ થઈ રહી હતી.

ફક્ત વન ડે નહીં, ટેસ્ટ નહીં, કેપ્ટન બન્યા બાદ દબાણમાં પણ વિરાટે એ સાબિત કરી આપ્યું છે કે તેની બેટિંગ ધોની કરતા વધુ સારી છે. કેપ્ટનશિપ સંભાળ્યા બાદ વિરાટે સતત ચાર ટેસ્ટમાં સદી ફટકારી હતી. મોટી વાત તો એ છે કે તેની ત્રણ સદી ઓસ્ટ્રેલિયામાં નોંધાઈ છે. વિરાટ અત્યાર સુધીમાં ૧૧ સદી ફટકારી ચૂક્યો છે. ધોનીએ પોતાની ૯૦ ટેસ્ટની કરિયરમાં ફક્ત છ સદી ફટકારી છે. જોકે ધોની ટેસ્ટમાં નંબર છ પર બેટિંગ કરતો હતો, જ્યાં તેની સાથે ફક્ત પૂછડિયા ખેલાડીઓ બેટિંગ માટે બાકી રહેતા હતા. કેપ્ટનશિપ સંભાળવા છતાં વિરાટની બેટિંગ સરેરાશ ૫૦થી ઉપર છે. પ્રથમ ૧૦ ટેસ્ટમાં આ રેકર્ડ છે. ૧૦ ટેસ્ટમાં કેપ્ટન તરીકે વિરાટે ૫૦થી વધુની સરેરાશથી રન બનાવ્યા છે. ધોનીએ કેપ્ટન તરીકે ૬૦ ટેસ્ટમાં ૪૦.૬ની સરેરાશથી રન બનાવ્યા હતા.

વિરાટ કોહલી ધોનીથી ચડિયાતો કેપ્ટન બનશે કે નહીં એ કહેવું હાલ મુશ્કેલ છે, કારણ કે હજુ તો શરૂઆત છે. દેશમાં સતત ટેસ્ટ જીતવાનો પડકાર છે તો વિદેશમાં પણ વિરાટની કેપ્ટનશિપનો મોટો ટેસ્ટ થવાનો બાકી છે. હા, એક વાત સારી એ છે કે વિરાટને હાર મળે કે જીત, એ ક્યારેય કોઈ ફરિયાદ કરતો નથી.

You might also like