મેદાનની બહાર વિરાટનો રેકોર્ડઃ ૧૧૦ કરોડની ડીલ સાઇન કરી

નવી દિલ્હીઃ વિરાટ કોહલી એક જ બ્રાન્ડ સાથે ૧૦૦ કરોડ રૂપિયાનો કરાર કરનારો પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ લાઇફસ્ટાઇલ બ્રાંડ પુમા સાથે ૧૧૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. આ સાથે જ વિરાટ હવે જમૈકાના ઉસેન બોલ્ટ, અસાફા પોવેલ, ફૂટબોલર થિયરી હેનરી અને ઓલિવર ગિરોડ સાથે પુમાનો ગ્લોબલ એમ્બેસેડર બની ગયો છે. જર્મનીની આ બ્રાંડ સાથે કોહલીએ આઠ વર્ષનો કરાર કર્યો છે અને વિરાટને આ કરારથી ફિક્સ્ડ પેમેન્ટ અને બ્રાંડના પ્રદર્શનના આધાર પર રોયલ્ટી મળશે.

વિરાટ કંપનીની સાથે મળીને ખાસ લોગો અને ઓળખવાળી બ્રાંડ માટે પણ કામ કરશે. કોહલીને ૧૨થી ૧૪ કરોડ રૂપિયા વાર્ષિક એન્ડોર્સમેન્ટના રૂપમાં મળશે. કોહલીએ જણાવ્યું કે, ”પુમા પાસે જે મોટા એથ્લીટ્સ છે તેમનો સાથ મેળવીને સન્માનની લાગણી અનુભવી રહ્યો છું. આ એથ્લીટ્સમાં ઉસેન બોલ્ટ, પેલે, મારાડોના અને થિયરી હેનરી જેવા મહાન ખેલાડીઓ સામેલ છે.” પુમાએ જે રીતે ભારતમાં લોકપ્રિયતા હાંસલ કરી છે તે પ્રભાવિત કરનારી છે. ઉલ્લેખનીય છે કે સચીન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોનીએ પણ ૧૦૦ કરોડ રૂપિયાના કોન્ટ્રેક્ટ કર્યા હતા, પરંતુ તેઓના કરાર સ્પોર્ટ્સ એજન્સીઓ સાથે હતા અને તેમને કોઈ એક બ્રાન્ડ તરફથી બધાં નાણાં નહોતાં મળતાં.

માર્કેટના જાણકારોનું કહેવું છે  સચીને ૨૪ વર્ષની કરિયરમાં લગભગ ૫૦ બ્રાન્ડને એન્ડોર્સ કરી અને તેના બદલામાં સચીનને લગભગ ૫૦૦ કરોડ રૂપિયા મળ્યા હતા. આમાં ૧૯૯૫માં વર્લ્ડટેલ તરફથી ૩૦ કરોડ રૂપિયાની ડીલ ઘણી મહત્ત્વપૂર્ણ હતી. ૨૦૦૧માં એ ડીલ રિન્યૂ થઈ હતી અને રકમ ડબલ થઈ હતી. ૨૦૦૬માં સચીને સાત્વી એન્ડ સાત્વી નામની ફર્મ સાથે ત્રણ વર્ષ માટે ૧૭૫ કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ કર્યો હતો.

મહેન્દ્રસિંહ ધોની પોતાના એન્ડોર્સમેન્ટથી લગભગ ૧૮૦ કરોડની કમાણી કરી છે. તેણે લગભગ ૨૦ બ્રાન્ડને એન્ડોર્સ કરી. વર્ષ ૨૦૧૩માં કોહલીએ એડિડાસ સાથે વાર્ષિક રૂ. ૧૦ કરોડના હિસાબથી ત્રણ વર્ષનો કોન્ટ્રેક્ટ સાઇન કર્યો હતો, પરંતુ ગત ડિસેમ્બરમાં એ કરાર પૂરો થઈ ગયો. એવું જણાવાઈ રહ્યું છે કે કોહલીની સાથે પુમાની પહેલી જાહેરાત આજકાલમાં જ જારી થવાની છે.

http://sambhaavnews.com/

You might also like