દામ્બુલામાં નવ વર્ષ પછી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ એ જ ખુરશી પર શા માટે બેઠો?

દામ્બુલાઃ વર્ષ ૨૦૦૮ વિરાટ કોહલીની ક્રિકેટ કરિયર માટે બહુ મહત્ત્વનું સાબિત થયું હતું. એ વર્ષે વિરાટની કેપ્ટનશિપમાં ભારતે અંડર-૧૯ વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો અને ત્યાર બાદથી તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરી લેવામાં આવ્યો હતો. ૧૮ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ વિરાટે શ્રીલંકા સામે દામ્બુલામાં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને હવે એ જ દામ્બુલામાં ૨૮ વર્ષીય વિરાટ આવતી કાલે પોતાની ૧૯૦મી વન ડે રમશે.

બીસીસીઆઇએ ટ્વિટ કરીને વિરાટની એક તસવીર શેર કરી છે. સાથે લખ્યું છે, ”કેટલીક ચીજો ક્યારેય નથી બદલાતી, ફક્ત મહાન લોકો પોતાનું કદ વધારી લે છે. વિરાટ એ જ ખુરશી પર બેઠો છે, જેના પર તે પોતાની પદાર્પણ મેચ દરમિયાન બેઠો હતો.” બાદમાં વિરાટે પણ એ તસવીર સાથે ટ્વિટ કરીને લખ્યું, ”આ ખુરશીથી એ બધું શરૂ થયું. એ દિવસ, એ ગ્રાઉન્ડ… ભારતીય ક્રિકેટ ટીમ સાથે નવ વર્ષ પૂરાં થયાં. શાનદાર સફર રહી. બહુ જ આભારી છું.”

એ પહેલી મેચ, એ પહેલી ઇનિંગ્સ…
પોતાની એ પદાર્પણ મેચમાં કોહલીએ ૧૨ રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારે તેણે ગૌતમ ગંભીર સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. એ મેચ ભારત આઠ વિકેટે હારી ગયું હતું. ટીમ ઇન્ડિયાની બેટિંગ સદંતર ફ્લોપ રહી હતી. ભારત તરફથી યુવરાજસિંહે સૌથી વધુ ૨૩ રનની ઇનિંગ્સ રમી હતી અને આખી ટીમ ૧૪૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોહલીએ એ મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી પહેલો ચોગ્ગો ફટકાર્યો હતો અને એ પણ ચામિંડા વાસની બોલિંગમાં. કોહલી ૨૨ બોલમાં ૧૨ રન બનાવીને નુવાન કુલસેકરાની બોલિંગમાં એલબી આઉટ થયો હતો.

વિરાટે દામ્બુલામાં પોતાની કરિયરની શરૂઆત કરી અને ત્યાર બાદ તે અહીં આઠ વન ડે રમ્યો. આ મેદાન પર પોતાની કુલ નવ વન ડેમાં વિરાટ જેવો બેટ્સમેન હજુ એક પણ અર્ધસદી ફટકારી શક્યો નથી. તેણે આ મેદાન પર કુલ નવ મેચમાં ૧૬૧ રન જ બનાવ્યા છે. અહીં તેનો સર્વોચ્ચ સ્કોર ૩૭ રનનો છે. છેલ્લી વાર વિરાટ આ મેદાન પર ઓગસ્ટ- ૨૦૧૦માં રમ્યો હતો. હવે સાત વર્ષ પછી આવતી કાલે વિરાટ ફરી આ મેદાનમાં ઊતરશે. જોકે હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. વિરાટ હાલ વિશ્વનો ટોચનો બેટ્સમેન બની ગયો છે.

You might also like