‘ગંદકી અમે ફેલાવી છે તો તેને અમે જ સાફ કરીશું’: મોદી ખુશ

નવી દિલ્હીઃ એમ તો ભારતીય ટીમ શ્રેણીમાં ક્લીન સ્વિપના ઇરાદાથી ઇન્દોર આવી છે, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું, જેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરી દીધા. કેન્દ્રમાં સરકાર રચ્યા બાદ મોદીએ દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. કોલકાતા ટેસ્ટમાં પણ કોહલી અને બીસીસીઆઇ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે અન્ય ક્રિકેટર સાથે મળીને સ્ટેડિયમમાં સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ગઈ કાલે ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ કરી રહી હતી એવામાં ભારતીય ખેલાડીઓએ પાણી પીધા બાદ બોટલ્સને મેદાન પર જ ફેંકી દીધી હતી. પ્રેક્ટિસ સેશન બાદ કોહલીએ ખાલી બોટલ્સ એકઠી કરવાનું શરૂ કર્યું. આ જોઈને મેદાનનો સ્ટાફ ખાલી ડ્રમ લઈને તેની પાસે આવ્યો. મેદાનકર્મીઓએ કહ્યું કે, ”તમે રહેવા દો, કચરો અમે એકઠો કરી લઈશું.” ત્યારે કોહલીએ કહ્યું, ”ગંદકી અમે ફેલાવી છે તો તેને અમે જ સાફ કરીશું.”

આ સમાચાર જાણ્યા બાદ વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, ”તમારા સ્વચ્છ ભારત અભિયાનને જોયું. આ નાનકડો, પરંતુ શક્તિશાળી પ્રયાસ છે. આ પ્રયાસ નિશ્ચિત રીતે જ બધાને પ્રેરણા આપશે.” મોદીના ટ્વિટનો જવાબ આપતાં ટેસ્ટ કેપ્ટન કોહલીએ લખ્યું હતું કે, ”ધન્યવાદ સર, અમે બધા આપણા દેશને સારો બનાવવા માટે કંઇ ને કંઇ કરતાં રહીએ છીએ, અમને તમારી પાસેથી પ્રેરણા મળે છે.”

You might also like