સચીન-સૌરવ-ધોની ના કરી શક્યા, તે વિરાટે ઈંગ્લેન્ડમાં કરી બતાવ્યું

નોટિંગહમઃ ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં વિરાટે શાનદાર સદી ફટકારી. વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી વિરાટ સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે.

તેણે ત્રણ ટેસ્ટમાં કુલ ૪૪૦ રન ફટકારી દીધા છે અને એ ઈંગ્લેન્ડમાં કોઈ પણ ભારતીય કેપ્ટન દ્વારા એક શ્રેણીમાં બનાવાયેલા સૌથી વધુ રન છે. આવું ના તો સચીન કરી શક્યો છે, ના તો સૌરવ કરી શક્યો છે કે ના ધોની કરી શક્યો છે.

ત્રણ કાંગારુંઓને પાછળ છોડ્યાંઃ કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથના નામે છે. સ્મિથે કેપ્ટન તરીકે ૨૫ સદી ફટકારી છે. નોટિંગહમ ટેસ્ટમાં સદીની સાથે વિરાટ કોહલીએ ત્રણ ઓસ્ટ્રેલિયન દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

કેપ્ટન તરીકે કોહલીની આ ૧૬મી સદી હતી. આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડર (૧૫), સ્ટીવ વો (૧૫)ને તો પાછળ છોડી જ દીધા, સાથે સાથે તેણે પોતાના કટ્ટર હરીફ સ્ટીવ સ્મિથ (૧૫ સદી)ને પણ પાછળ છોડી દીધો.

વિરાટના છ હજાર રનઃ નોટિંગહમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય કેપ્ટને પોતાની ટેસ્ટ કરિયરના ૬૦૦૦ રન પૂરા કરી લીધા. તે સૌથી ઝડપી આટલા રન બનાવનારો ભારતનો બીજા નંબરનો ખેલાડી છે. વિરાટ પહેલાં મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ૧૧૭ ઇનિંગ્સમાં છ હજાર રન પૂરા કર્યા હતા, જોકે કોહલી (૧૧૮ ઇનિંગ્સ) એક ઇનિંગ્સ વધુ રમ્યો.

વીરુની બરોબરી કરીઃ વિરાટની ૨૩મી ટેસ્ટ સદી હતી. ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલામાં વિરાટે ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહગવાની બરોબરી કરી લીધી છે. કોહલીએ મોહંમદ અઝહરુદ્દીન (૨૨ સદી)ના રેકોર્ડને તોડી નાખ્યો છે.

વીરુએ પણ પોતાની ટેસ્ટ કરિયર દરમિયાન ૨૩ સદી જ ફટકારી હતી. હવે સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં સૌથી આગળ સચીન તેંડુલકર જ છે.

કોહલીએ નવમી વાર એક જ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ૫૦થી વધુનો સ્કોર નોંધાવ્યો. આ મામલામાં ભારતીય રેકોર્ડ રાહુલ દ્રવિડ (૧૦ વાર)ના નામે છે. સુનીલ ગાવસ્કર, સચીન તેંડુલકર અને લક્ષ્મણ પણ આવી સિદ્ધિ નવ વાર હાંસલ કરી ચૂક્યા છે.

આ ઉપરાંત વિરાટે એક જ ટેસ્ટમાં ૧૨મી વાર ૨૦૦ કે તેથી વધારે (૯૭+૧૦૩) રન બનાવ્યા. આ મામલામાં ભારતીય રેકોર્ડ કોહલીના નામે અને વર્લ્ડ રેકોર્ડ કુમાર સંગાકારા (૧૭ વાર)ના નામે નોંધાયેલો છે.

You might also like