જીત માટે ઝઝૂમી રહેલા વિરાટ- રોહિતની આજે બેંગલુરુમાં ટક્કર

બેંગલુરુઃ સતત પરાજય સહન કરી રહેલી બેંગલુરુ અને મુંબઈની ટીમ આજે અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાશે અને બંને ટીમનું લક્ષ્ય આજની મેચમાં જીત નોંધાવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખવાનું રહેશે. ચેન્નઈને પુણેમાં પરાજિત કર્યા બાદ મુંબઈની ટીમ વધેલા મનોબળ સાથે આરસીબીનો સામનો કરશે, જેની બેટિંગ લાઇનઅપ ઘણી મજબૂત છે.

આરસીબીને ચેન્નઈ અને કોલકાતા સામે સતત બે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે, જેનાથી કારણે આરસીબી ટીમનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો છે. હવે આરસીબી માટે સ્થિતિ થોડી જટિલ બની ચૂકી છે. આ સ્થઇતિમાં વિરાટ કોહલીની ટીમ જીત માટે કોઈ કસર છોડવા નહીં ઇચ્છે.

આ બંને ટીમ પોઇન્ટ ટેબલમાં તળિયાના સ્થાને છે. હવે સ્થિતિ એ છે કે આજે જે પણ ટીમ હારશે તેના માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બની જશે. મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં આરસીબી સામે રમેલી પોતાની મેચમાંથી પ્રેરણા લેવા ઇચ્છશે, જેમાં તેણે ૪૬ રને જીત હાંસલ કરી હતી.

એ મેચમાં રોહિત શર્મા અને ઇવિન લૂઇસે અર્ધસદી ફટકારી હતી, પરંતુ મુંબઈની મુશ્કેલી એ છે કે સૂર્યકુમાર યાદવ (કુલ ૨૭૪ રન)ને બાદ કરતા અન્ય કોઈ બેટ્સમેન સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી. કેપ્ટન રોહિત પણ પોતાના ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે.

આજની મેચમાં રોહિત ફરીથી ત્રીજા ક્રમ પર બેટિંગ કરવા ઊતરી શકે છે, જેવું તેણે ગત મેચમાં કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર કદાચ રોહિત ઇનિંગ્સમાં શરૂઆત પણ કરી શકે છે, કારણ કે ટીમને ટોચના ક્રમમાં તેની જરૂર છે. પંડ્યા બ્રધર્સ-હાર્દિક અને કૃણાલે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તેમણે બેટિંગમાં પણ યોગદાન આપવું પડશે. મુંબઈના બધા બોલર્સ સારું પ્રદર્શન કરી શક્યા નથી. માત્ર યુવા લેગ સ્પિનર મયંક માર્કન્ડેએ સાત મેચમાં દસ વિકેટ ઝડપીને અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે.

આજની મેચ માટે આરસીબી ડિવિલિયર્સ ટીમમાં પાછો ફરે તેવી પ્રાર્થના કરી રહી હશે, જે તાવના કારણે છેલ્લી મેચમાં રમી શક્યો નહોતો. ડિવિલિયર્સે અત્યાર સુધી અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કર્યું છે. કોહલી અને ડિકોક પાસેથી પણ ટીમને સારા પ્રદર્શનની આશા છે. આજની મેચમાં આરસીબીના બોલર્સ અને ફિલ્ડર્સે પણ પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપવું પડશે. ગત મેચમાં કંગાળ ફિલ્ડિંગને કારણે ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

You might also like