વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ રમવા યુવાઓને કરી અપીલ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ક્રિકેટની રમતને વિશ્વ સ્તરે જાળવી રાખવા માટે ટેસ્ટ ક્રિકેટને મુખ્ય ફોર્મેટ બનાવી રાખવું જરૂરી છે. કોહલીએ ડીડીસીએના પ્રથમ વાર્ષિક સંમેલન દરમિયાન કહ્યું, ”મારું માનવું છે કે ક્રિકેટને વિશ્વ સ્તર પર જાળવી રાખવા માટે ટેસ્ટ ક્રિકેટ સર્વોપરી છે. હું યુવાનોને આગ્રહ કરીશ કે તેઓ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટને અપનાવે.”
આ સમારંભને બિશનસિંહ બેદી અને મોહીન્દર અમરનાથના નામથી સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવાના પ્રસંગે દિલ્હી ક્રિકેટના ઘણા દિગ્ગજ એકસાથે જોવા મળ્યા. કોહલીએ આ પ્રસંગે અંડર-૧૪ અને અંડર-૧૬ના દિવસોને યાદ કર્યા, જ્યારે બિશનસિંહ બેદી કોચ હતા. બેદી અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મન્સુર અલી ખાન પટૌડીનાં પત્ની શર્મિલા ટાગોરની હાજરીમાં વિરાટે કહ્યું, ”મને યાદ છે કે જ્યારે હું દિલ્હી તરફથી અંડર-૧૪ અને અંડર-૧૬માં રમતો હતો, બિશનસિંહ બેદી અમને સખત પ્રેક્ટિસ કરાવતા હતા. હવે આ મારી જિંદગીનો હિસ્સો બની ચૂકી છે.” કોહલીએ વધુમાં જણાવ્યું, ”દિલ્હીના કેપ્ટનોની સાથે અહીં ઊભા રહેવું એ બહુ મોટું સન્માન છે. હું ખુદ પણ દિલ્હીનો કેપ્ટન છું.”

આ પ્રસંગે બિશનસિંહ બેદીએ જણાવ્યું, ”હું મેદાન પર વિરાટની કેટલીક હરકતો સાથે ભલે સહમત ના થઈ શકતો હોઉં, પરંતુ જે રીતે મેદાન પર વિરાટ પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે એવું મેં અન્ય કોઈમાં જોયું નથી. મેં કોઈ પણ અન્ય ભારતીયને વિરાટની જેમ લડતો જોયો નથી.”

દિલ્હીના બધા કેપ્ટનને સન્માનિત કરાયા
ડીડીસીએ દ્વારા ભારતના કેપ્ટન વિરાટ કોહલી સહિત દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત થનારા કેપ્ટનોમાં પ્રકાશ ભંડારી, રાજીન્દરસિંહ પાલ, બિશનસિંહ બેદી, વિનય લામ્બા, વેંકટ સુંદરમ્, સુરીન્દર અમરનાથ, મોહીન્દર અમરનાથ, ચેતન ચૌહાણ, રાકેશ શુક્લા, મદનલાલ, અજય શર્મા, કીર્તિ આઝાદ, સુરીન્દર ખન્ના, કે. પી. ભાસ્કર, રવિ સહગલ, સંજીવ શર્મા, મનોજ પ્રભાકર, વિજય દહિયા, નિખિલ ચોપરા, રાહુલ સંઘવી, અજય જાડેજા, મિથુન મન્હાસ, મનીન્દરસિંહ, વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, આકાશ ચોપરા, રજત ભાટિયા, શિખર ધવન, વિરાટ કોહલી, ઉન્મુક્ત ચંદ, ઈશાંત શર્મા અને વર્તમાન કેપ્ટન ઋષભ પંતનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં શિખર ધવન હાજર રહી શક્યો નહોતો.

You might also like