સૌથી ઝડપી ૧૫,૦૦૦ આંતરરાષ્ટ્રીય રન બનાવીને વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ વધુ એક ઇનિંગ્સ, વધુ એક સદી અને વધુ એક રેકોર્ડ… વિરાટ કોહલી ધીમે ધીમે એ તબક્કામાં પહોંચી ગયો છે, જ્યાં તેની દરેક ઇનિંગ્સ તેના નામે એક નવો રેકોર્ડ નોંધાઈ જાય છે. ગઈ કાલે ભારત-શ્રીલંકા વચ્ચે એકમાત્ર ટી-૨૦ મેચ રમાઈ, જેમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને સાત વિકેટે હરાવી દીધું. ગઈ કાલની મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ૮૨ રન બનાવ્યા. વિરાટે આ ઇનિંગ્સ દરમિયાન પોતાના ૧૫,૦૦૦ આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કરી લીધા. વિરાટ સૌથી ઝડપી ૧૫,૦૦૦ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. આ રેકોર્ડ સર્જવા માટે તે કુલ ૩૦૪ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. વિરાટની સૌથી મોટી ખૂબી એ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં સમાન રૂપથી સફળ રહ્યો છે. ટી-૨૦માં તેની સરેરાશ ૫૦ રન પ્રતિ મેચથી વધુ (૫૨.૯૬) છે. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં ૧૦૦૦થી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં એ પહેલો એવો ખેલાડી છે, જેની સરેરાશ ૫૦ કરતાં વધુની છે. વન ડેમાં વિરાટની વર્તમાન સરેરાશ ૫૫.૭૫ રનની, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેણે ૪૯.૫૫ની સરેરાશથી ૪૬૫૮ રન બનાવ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે ટી-૨૦માં વિરાટ હજુ સુધી ક્યારેય શૂન્ય રને આઉટ થયો નથી.

શ્રીલંકા સામેની પાંચમી વન ડેમાં પોતાની ટીમને જીત અપાવવા દરમિયાન વિરાટે વન ડે કરિયરની ૩૦મી સદી ફટકારી. આ સાથે જ તે વન ડેમાં સૌથી વધુ સદી ફટકારાઓની યાદીમાં રિકી પોન્ટિંગની સાથે બીજા નંબર પર પહોંચી ગયો. મહત્ત્વની વાત એ છે કે બહુ જ ઝડપથી વિરાટ કોહલી આ ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. જ્યાં સુધી સચીનને આ આંકડા સુધી પહોંચવાનો સવાલ છે ત્યાં સુધી સચીને આ માટે ૨૬૭ ઇનિંગ્સ રમવી પડી હતી, પોન્ટિંગે ૩૪૯ વાર મેદાનમાં ઊતરવું પડ્યું હતું. બીજી તરફ વિરાટે ૩૦ સદી ફટકારવા માટે ફક્ત ૧૯૪ મેચમાં ૧૮૬ ઇનિંગ્સ જ રમીને આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

આ અંગે વિરાટે કહ્યું, ”રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરીને હું મારી જાતને સન્માનિત અનુભવી રહ્યો છું. મારું લક્ષ્ય ટીમની જીત હોય છે, રેકોર્ડ્સ પર મારી નજર હોતી નથી. જો હું ૯૦ રન બનાવું અને ટીમ જીતો તો હું ખુશ છું.” વિરાટના મનમાં ભલે રેકોર્ડ્સનું મહત્ત્વ ન હોય, પરંતુ જે સરળતા સાથે તે આ કરી રહ્યો છે તે ચોંકાવનારું છે. આની પાછળ કારણ છે તેનું રિસ્ક ફ્રી ક્રિકેટ રમવું, જેનું ઉદાહરણ તેની ૩૦મી સદી દરમિયાન જોવા મળ્યું હતું.

વિરાટે પોતાની ૩૦મી સદી દરમિયાન ૧૧૦માંથી ૭૭ રન કવરથી લઈને મિડ વિકેટ ક્ષેત્રમાં બનાવ્યા. મતલબ સીધા બેટથી વિરાટ ક્રિકેટિંગ શોટ લગાવીને વિરાટે આ ૭૦ ટકા રન બનાવ્યા. એ ઇનિંગ્સ દરમિયાન વિરાટ વર્ષ ૨૦૧૭માં ૧૦૦૦ રનના આંકડાને સ્પર્શનારો વિશ્વનો પહેલો બેટ્સમેન પણ બન્યો. તેણે ૧૮ મેચમાં ૧૦૧૭ રન ૯૨.૪૫ની સરેરાશથી બનાવ્યા છે, જેમાં ચાર સદી, છ અર્ધસદી સામેલ છે. તેની ૯૨.૪૫ રનની સરેરાશ અત્યાર સુધી વર્ષમાં ૧૦૦૦ રન બનાવનારા બેટ્સમેનોમાં સૌથી વધુ છે. ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે કેપ્ટન જ ટીમનો બોસ હોય છે એ વાત એકદમ સાચી છે. િવરાટ જ ટીમ ઇન્ડિયાનો અસલી બોસ છે.

You might also like