કોહલી BCCI ક્રિકેટ ઓફ ધી ઈયરના પુરસ્કારથી સન્માનિત

નવી દિલ્હી: ભારતના ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલીને બીસીસીઆઈએ વર્ષના ક્રિકેટર પુરસ્કાર માટે પસંદ કર્યો છે. મહિલા વર્ગમાં આ સન્માન પાંચ જાન્યુઆરીએ મુંબઈમાં યોજાનાર બોર્ડના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં મિતાલી રાજને મળશે. ઓસ્ટ્રેલિયા, પ્રવાસના વચ્ચેથી મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક સંન્યાસ લીધા પછી કપ્તાની સંભાળનાર ૨૭ વર્ષીય બેટસમેન કોહલીએ પોતાની આગેવાનીમાં કેટલાક સારા પરિણામ આપ્યા છે.

કોહલીના નેતૃત્વમાં શ્રીલંકાની ધરતી પર ૨૨ વર્ષમાં પહેલીવાર ટેસ્ટ સિરીઝ જીતી અને પછી વિશ્વની નંબર એક ટીમ દક્ષિણ આફ્રિકાને છેલ્લા નવ વર્ષમાં પહેલાવાર વિદેશી ધરતી પર સિરીઝ હારની મજા ચખાવી હતી. આ ડાબોડી બેટસમેને૧૫ ટેસ્ટ ઈનિંગોમાં ૪૨.૬૭ની એવરેજથી ૬૪૦ રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે ૨૦ વનડેમાં ૩૬.૬૫ની એવરેજથી ૬૨૩ રન બનાવ્યા છે. ટેસ્ટ કપ્તાન કોહલીને સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પોલી ઉમરીગર ટ્રોફી મળશે.

મિતાલી રાજે આ વર્ષે વનડેમાં ૫૦૦૦ રન પૂરા કર્યા છે. આવી સિધ્ધિ મેળવનાર પહેલી ભારતીય અને સમગ્ર વિશ્વમાં બીજી મહિલા બેટસમેન છે. મિતાલીને સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે એમ એ ચિદંબરમ ટ્રોફી આપવામાં આવશે. પૂર્વ વિકેટકીપર બેટસમેન સૈયદ કિરમાણીને કર્નલ સી કે નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડની સન્માનવામાં આવશે. કર્ણાટક રાજય ક્રિકેટ એસો.ના વર્ષના સર્વશ્રેષ્ઠ એસોસિએશન તરીકે પસંદ કરાયો છે. તેણે આ વર્ષે રણજી ટ્રોફી, ઈરાની ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી જીતી હતી.

કર્ણાટકના બેટસમેન રોબિન ઉથપ્પાને રણજી ટ્રોફીમાં સર્વાધિક રન બનાવવા માટે માધવરાવ સિંધિયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ઉથપ્પાએ ૧૧ મેચોમાં ૫૦.૬૬ની એવરેજથી ૯૧૨ રન બનાવ્યા હતા. સર્વાધિક વિકેટ લેવાનો પુરસ્કાર કર્ણાટકના આર વિનયકુમાર અને મુંબઈના શાર્દુલ ઠાકુરને આપવામાં આવશે. તેમણે ગત સત્રમાં એકસરખી ૪૮ વિકેટ ઝડપી હતી.

You might also like