વિરાટ કોહલીના નેતૃત્વમાં આવતી કાલે મહેન્દ્રસિંહ ધોની ફૂટબોલ મેચ રમશે

મુંબઈઃ ચોંકી ગયા ને? જી હા, હવે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોહલી ફૂટબોલ ટીમનો પણ કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલી એક ચેરિટી મેચમાં ફૂટબોલ મેચ રમતો નજરે પડશે એટલું જ નહીં, વિરાટ આ મેચમાં ઓલ હાર્ટ્સ ટીમનું નેતૃત્વ સંભાળશે. આ મુંબઈમાં ઓલ સ્ટાર્સ ક્લબ સામે રમાશે, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ રણબીર કપૂરના નેતૃત્વમાં રમશે. ફૂટબોલની આ મેચ અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવતી કાલે સાંજે ૭.૦૦ વાગ્યે રમાશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન ધોની પણ વિરાટના નેતૃત્વમાં ફૂટબોલ રમતો નજરે પડશે.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફેસબુક પેજ પર આ મેચની જાણકારી આપવામાં આવી છે. બોલિવૂડ સ્ટાર્સની ઓલ સ્ટાર્સ ફૂટબોલ ક્લબનો કેપ્ટન અભિનેતા રણબીર કપૂર છે. આ મેચ અભિષેક બચ્ચન અને વિરાટ કોહલીના ફાઉન્ડેશનની ચેરિટી માટે ધન એકઠું કરવા સારુ રમાશે. એ તો બધા જ જાણે છે કે ધોની બહુ જ શાનદાર ફૂટબોલ રમે છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે ક્રિકેટના મેદાનમાં પણ ફૂટબોલ રમી લે છે.

વિરાટે પોતાની ફૂટબોલ રમવાની યોગ્યતા અંગે કહ્યું કે, ”હું બહુ સારું રમું છું. ધોની આ મેચ માટે બહુ જ ઉત્સાહિત છે.”
બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટ ખેલાડીઓ વચ્ચે ભૂતકાળમાં પણ મેચ રમાઈ ચૂકી છે. ગત વર્ષે જ્યારે મેચ રમાઈ હતી ત્યારે ઓલ સ્ટાર્સ ટીમે વિરાટની ટીમ સામેની મેચ ડ્રો કરાવી હતી. એ મુકાબલામાં શિખર ધવન, યુવરાજસિંહ, આર. અશ્વિન જેવા ક્રિકેટર્સ મેદાનમાં ઊતર્યા હતા, જ્યારે બોલિવૂડ સ્ટાર્સની ટીમમાં અર્જુન કપૂર, રણબીરસિંહ, આદિત્ય રોય કપૂર જેવા સ્ટાર્સે ભાગ લીધો હતો. એ મેચમાં કે. એલ. રાહુલ અને યુવરાજસિંહે ગોલ કર્યા હતા.

You might also like