કોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ પર ખેલરત્ન, 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશને ‘ઠેંગો’!

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રમત પુરસ્કાર એટલે કે ‘રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર’ માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરાઈ છે. આ ખેલાડીઓમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને શૂન્ય (૦) પોઇન્ટ મળ્યો છે, જ્યારે વર્લ્ડ ચેમ્પિયન વેઇટ લિફ્ટર મીરાંબાઈ ચાનુને ૪૪ પોઇન્ટ્સ. આ પોઇન્ટ્સને કારણે ૧૧ સભ્યોની પસંદગી સમિતિએ આ બંને ખેલાડીઓના નામ પર મંજૂરીની મહોર મારી દીધી છે અને આવતી કાલે આ ખેલાડીઓને રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે પુરસ્કાર એનાયત થશે.

વિરાટ કોહલીની પર્ફોર્મન્સ શીટ પર એક પણ પોઇન્ટ નહોતો. આવું એટલા માટે, કારણ કે ક્રિકેટની રમતમાં આ ચીજો લાગુ થતી નથી. ચાનુની આગળ છ ખેલાડી એવા હતા, જેમના પોઇન્ટ્સ ચાનુ કરતા વધુ હતા. પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને ૮૦ પોઇન્ટ્સ મળ્યા હતા, જે કોઈ પણ ખેલાડીને મળેલા સૌથી વધુ પોઇન્ટ હતા. આમ છતાં આ બંને ખેલાડીને નજરઅંદાજ કરવામાં આવ્યા.

રમતગમત પ્રધાન રાજ્યવર્ધન રાઠોડની મુલાકાત લીધા બાદ પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે તે હવે કોર્ટમાં જશે અને જોશે કે સૌથી વધુ પોઇન્ટ હોવા છતાં શા માટે ખેલરત્ન એવોર્ડ માટે તેની પસંદગી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ખેલરત્ન એવોર્ડ માટે કુલ ૧૭ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પેરાએથ્લીટ દીપા મલિક ૭૮.૪ પોઇન્ટ સાથે પુનિયા અને ફોગાટથી પાછળ હતી.

ત્યાર બાદ મનિકા બત્રા હતી, જેના ૬૫ પોઇન્ટ હતા. વિકાસ અને અભિષેક પણ એ લિસ્ટમાં હતા, જેમના બાવન અને ૫૫.૩ પોઇન્ટ છે. આમ છતાં ૮૦ પોઇન્ટવાળા બજરંગ અને વિનેશનું નામ પસંદ થયેલા ખેલાડીઓની યાદીમાં સામેલ નહોતું કરાયું.

ક્રિકેટની સિસ્ટમ શું છે?
ક્રિકેટની રમતમાં કોઈ પોઇન્ટ સિસ્ટમ નથી. ક્રિકેટની રમત ઓલિમ્પિકમાં પણ સામેલ નથી. આ સ્થિતિમાં ક્રિકેટરોને સંમતિના આધાર પર પસંદ કરવામાં આવે છે, જેના કારણે વિવાદ ઊભો થવાની શક્યતાઓ સર્જાય છે.

કમિટીના એક સભ્યએ એ વાતનો સ્વીકાર કર્યો, ”એ બાબતે ચર્ચા થઈ હતી કે કોહલીના પ્રદર્શનને જજ કેવી રીતે કરી શકાય, કારણ કે પોઇન્ટ સિસ્ટમને ઓલિમ્પિક અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટને ધ્યાનમાં તૈયાર કરવામાં આવી છે. કોહલીનું નામ ૨૦૧૬ અને ૨૦૧૭માં ખેલરત્ન માટે નકારી કાઢવામાં આવ્યું હતું.”

કોને કેટલા પોઇન્ટ મળ્યા?
૧૧ સભ્યની કમિટી પાસે એ અધિકાર છે કે તેઓ આ ખેલાડીઓને ૨૦ પોઇન્ટ પોતાના તરફથી આપી શકે છે. ત્યાર બાદ આ ખેલાડીઓને ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સના તેમના પ્રદર્શનને જોઈને કુલ પોઇન્ટ્સ આપવામાં આવે છે.

પોઇન્ટ ટેબલમાં ૧૭માંથી ૧૧ ખેલાડીઓને પસંદ કરાયા, જેમને કમિટીના સભ્યોએ પોતાના તરફથી આ રીતે પોઇન્ટ્સ આપ્યા હતાઃ
ચાનુ (૧૯), કોહલી (૧૮.૫), શ્રીકાંત (૧૮), વિનેશ (૧૩), રોહન બોપન્ના (૧૨), બજરંગ પુનિયા (૧૨), નીરજ ચોપરા (૧૫),
દીપા મલિક (૧૨), વિકાસ કૃષ્ણન (૧૪), મનિકા બત્રા (૧૩) અને પેરા રેસલર વીરેન્દરસિંહ (૧૨).

અધિકારીઓએ પોતાના તરફથી પોઇન્ટ આપ્યા બાદ ખેલાડીઓને મળેલા પોઇન્ટ્સના સરવાળા પર નજર કરીએ. ચાનુ ૬૩ (૪૪+૧૯), પુનિયા ૯૨ (૮૦+૧૨), વિનેશ ફોગાટ ૯૩ (૮૦+૧૩), દીપા મલિક ૯૦.૪ (૭૮.૪+૧૨), બત્રા ૭૮ (૬૫+૧૩) અને વિકાસ ૬૬ (૫૨+૧૪). આ આંકડા પરથી સ્પષ્ટ જોવા મળે છે કે પુનિયા અને વિનેશના પોઇન્ટ સૌથી વધુ હોવા છતાં તેમને ખેલરત્ન એવોર્ડ માટે નજર અંદાજ કરવામાં આવ્યા છે.

આવતી કાલે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ અને મીરાંબાઈ ચાનુ ‘ખેલરત્ન’ બનશે
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પિયન મહિલા વેઇટલિફ્ટર સાઇખોમ મીરાંબાઇ ચાનુને દેશના સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી આવતી કાલે સન્માનિત કરવામાં આવશે. કોહલી આ સન્માનને મેળવનારો ત્રીજો ક્રિકેટર બનશે.

રમત મંત્રાલયે દેશના સૌથી મોટા પુરસ્કાર માટે મંજૂરીની મહોર લગાવી દીધી છે. આ બન્ને ખેલાડીને આવતી કાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘ખેલરત્ન’ પુરસ્કારથી સન્માનિત કરશે. કોહલી અને ચાનુને મેડલ અને પ્રશસ્તિપત્ર સહિત ૭.૫ લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે.

સચીન તેંડુલકર (૧૯૯૭) અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (૨૦૦૭) બાદ કોહલી ખેલરત્ન પુરસ્કાર મેળવનારો ત્રીજો ક્રિકેટર બન્યો છે. જ્યારે ચાનુ કોમનવેલ્થ ગેમ્સમાં ગૉલ્ડ મેડલ વિજેતા છે અને તેને ૨૦૨૦માં ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિકમાં મેડલની મોટી દાવેદાર માનવામાં આવી રહી છે.

You might also like