કોહલીનો ઇશારોઃ ત્રીજી વન ડેમાં પંત રમશેઃ …પણ કોના સ્થાને?

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વિન્ડીઝ સામે ચાલી રહેલી વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં ઋષભ પંતને અંતિમ ઇલેવનમાં સામેલ કરવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે આ શ્રેણીની ત્રીજી મેચ ૩૦ જૂને ભારતીય સમય અનુસાર સાંજે ૬.૩૦ વાગ્યે રમાવાની છે. કોહલીએ કહ્યું, ”અમે સાથે બેસીને ટીમમાં સંભવિત ફેરફાર અંગે નિર્ણય કરીશું. અમે એન્ટીગુઆ જઈને ફરી એક વાર ટીમ બનાવીશું અને એમાં કેટલાક નવા ખેલાડીઓને તક મળી શકે છે.” નવા ખેલાડીઓમાંથી કોહલીનો ઇશારો ઋષભ પંત તરફ છે, પરંતુ ઋષભ પંત ટીમમાં કોનું સ્થાન લેશે એ હજુ નક્કી થઈ શક્યું નથી. સૂત્રોના કહેવા અનુસાર ત્રીજી વન ડેમાં પંત કદાચ યુવરાજ અથવા ધોનીમાંથી કોઈ એકનું સ્થાન લે તેવી શક્યતાઓ છે.

ફોકસમાં હતા ધોની અને ઋષભ
મેચની તૈયારી દરમિયાન બધાંનું ધ્યાન મહેન્દ્રસિંહ ધોની અને તેના ઉત્તરાધિકારી મનાતા ઋષભ પંત તરફ ગયું. આ અંગે સ્પષ્ટ રૂપથી કહેવું શક્ય નથી કે બંને વચ્ચે શી વાત થઈ, પરંતુ અનુમાન લગાવાઈ રહ્યું છે કે ધોનીએ યુવાન ઋષભને કંઈક જ ટિપ્સ આપી જ હશે. બંનેની તસવીરને બીસીસીઆઇએ ટ્વિટ કરી છે. બીસીસીઆઇએ ફોટો ટ્વિટ કરતાં લખ્યું, ‘વન ડે પહેલાં એમએસ ધોની ઋષભ પંતને પ્રોત્સાહિત કરે છે’.

શું પંત યોગ્ય વિકલ્પ છે ધોનીનો?
પાછલા એક દાયકાથી મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમને ઘણું બધું આપ્યું છે. તેની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ૫૦ ઓવર્સનો વર્લ્ડકપ, ટી-૨૦ વર્લ્ડકપ, ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ અપાવ્યો છે. બેટિંગ દરમિયાન નાજુક સમયે ઘણી વાર ટીમને જીત અપવી છે. આજે પણ તે દુનિયાના બેસ્ટ ફિનિશનરમાંનો એક છે. જોકે ધોનીનું સ્થાન લેવું હાલના સમયમાં કોઈ પણ ભારતીય ક્રિકેટર માટે શક્ય નથી, પરંતુ ઋષભ પંતને જોઈને એક આશા જરૂર જાગી છે. પંત જોકે ધોનીના કરતા બિલકુલ અલગ પ્રકારનો બેટ્સમેન છે. મોટૂ ટૂર્નામેન્ટોમાં જેવું ટેમ્પરામન્ટ પંતે દેખાડ્યું છે તે પ્રશંસાપાત્ર છે. એવું કહેવાઈ રહ્યું છે કે જો ઋષભ પંતને અંતિમ ઈલેવનમાં રમવાની તક મળે તો વિકેકીપિંગની જવાબદારી ઉઠાવવા પણ તે સક્ષમ છે.

દ્રવિડ પણ ઇચ્છે છે કે પંતને તક મળે
આ ટીમમાં બે યુવા ખેલાડી ઋષભ પંત અને ચાઇનામેન કુલદીપ યાદવને પસંદ કરવામાં આવ્યા છે. દ્રવિડે કહ્યું હતું, ”હું આશા રાખું છું કે પંત-કુલદીપને અંતિમ ઈલેવનમાં સ્થાન મળે. ધોની અને યુવરાજ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપીને કેટલાક યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ, જેના કારણે ટીમના બેંચ સ્ટ્રેન્થને મજબૂતી મળશે.”

ટીમમાં ત્રણ-ત્રણ વિકેટકીપર
વિન્ડીઝના પ્રવાસે ગયેલી ૧૫ સભ્યોની ટીમમાં એક, બે નહીં, બલકે ત્રણ વિકેટકીપરને સામેલ કરવામાં આવ્યા છે. ધોની ઉપરાંત પંત અને દિનેશ કાર્તિક પણ વિકેટકીપર છે. જો ધોનીને આરામ આપવામાં આવે તો ઋષભ કીપિંગની જવાબદારી ઉઠાવી શકે છે, જ્યારે યુવીને આરામ આપવામાં આવે તો કાર્તિક ફિલ્ડિંગમાં એ જ ચુસ્ત છે – જેટલો યુવરાજ.
http://sambhaavnews.com/

You might also like