વધુ ને વધુ નિખરી રહેલા વિરાટે ટીમ ઇન્ડિયાને નવી ઊંચાઈ આપી

અમદાવાદઃ ટીમ ઇન્ડિયાનાે ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી સમયની સાથે વધુ ને વધુ વિરાટ થઈ રહ્યો છે. તેના આવ્યા બાદથી ટીમ ઇન્ડિયામાં એક નવી સંસ્કૃતિ પણ આવી છે, જ્યાં સ્કિલ, એટિટ્યુડ, કંઈ કરી નાખવાની જબરદસ્ત ભૂખ, પરિસ્થિતિ અને સમય પ્રમાણે સર્વશ્રેષ્ઠ નિર્ણયો લેવાની ક્ષમતાનો જબરદસ્ત સંગમ જોવા મળી રહ્યો છે. ચાહકોની નજરમાં કોહલી તો ત્યારથી જ આવી ગયોહતો, જ્યારે તેણે પોતાની કેપ્ટનશિપમાં ભારતને અંડર-૧૯ વર્લ્ડકપ અપાવ્યો હતો, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી તેનામાં જબરદસ્ત ફેરફાર થયા છે. સમયની સાથે કોહલી ખુદને અપગ્રેડ કરતો જઈ રહ્યો છે.

માર્ચ ૨૦૦૮ઃ મલેશિયાના કુઆલાલમ્પુરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ દિલ્હીના એક છોકરાની હુંકારથી ગૂંજી રહ્યું હતું. એ છોકરો જાણે કે ગર્જના કરી રહ્યો હતો કે સાંભળો દુનિયાવાળા, હવેથી અમારો સમય શરૂ થઈ રહ્યો છે. હવે અમે છીએ ક્રિકેટના નવા બાદશાહ. દિલ્હીનો એ છોકરો ‘કમ ઓન’ની બૂમો પાડતો ગ્રાઉન્ડનું ચક્કર લગાવી રહ્યો હતો, તેની કેપ્ટનશિપમાં ભારતની અંડર-૧૯ ટીમ વર્લ્ડકપ જીતી ચૂકી હતી.

ડિસેમ્બર ૨૦૧૪ઃ ઓસ્ટ્રેલિયા સામે ૩૬૪ રનના બહુ જ મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતા કેપ્ટન કોહલીએ ખુદ મોરચો સંભાળઅયો હતો. ભારત પાસે મેચ ડ્રો કરાવવાનો વિકલ્પ હતો, પરંતુ ટીમ જીતના લક્ષ્ય સાથે બેટિંગ કરી રહી હતી. છેવટે ટીમ ૪૮ રને હારી ગઈ. સમીક્ષકોએ કોહલીની ઇનિંગ્સની પ્રશંસા તો કરી, પરંતુ એ સવાલ પણ ઊઠ્યો કે શું કોહલીએ જરૂર કરતા વધારે આક્રમકતા દેખાડી?

…અને અત્યારેઃ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ સામે ૩-૦ની અપરાિજત સરસાઈ લઈ ચૂકી છે. પાછલી ૧૭ મેચમાં ટીમ ઇન્ડિયા એક પણ મેચ હારી નથી. આ એક નવો રેકોર્ડ છે. કોહલી એક આક્રમક યુવા બેટ્સમેનમાંથી હવે સંપૂર્ણ ક્રિકેટરના રૂપમાં વિકસિત થઈ ચૂક્યો છે. ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં કોહલીના ત્રણ પાસા જોવા મળ્યા અને એ ત્રણેયમાં પૂર્ણ બેટ્સમેન, કેપ્ટન અને સાચા અર્થમાં ક્રિકેટની રમતના એમ્બેસેડર તરીકે જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે કોહલી હજુ ફક્ત ૨૮ વર્ષનો જ છે. તેણે ૨૩૫ રનમની શાનદાર ઇનિંગ્સ રમીને ઈંગ્લેન્ડની જાણે કે કમર જ તોડી નાખી. જુલાઈ બાદથી આ તેની ત્રીજી ડબલ સેન્ચૂરી હતી. જ્યારે અશ્વિન અને એન્ડરસન મેદાન પર ઝઘડી પડ્યા ત્યારે કોહલીએ દખલ દઈને બંનેને શાંત પાડ્યા. એન્ડરસન અને અશ્વિન વચ્ચેના ઝઘડાનું કારણ ઈંગ્લિશ બોલરની એ કોમેન્ટ હતી, જે ખુદ વિરાટ કોહલી અંગેની હતી.

કોહલીએ ટીમમાં નવા પ્રાણ ફૂંક્યા છે. તેણે ટીમને ડિફેન્સિવ માઇન્ડસેટની બહાર કાઢી છે. આ બધામાં કોચ અનિલ કુંબલેનાં કુશળ માર્ગદર્શનનો પણ હાથ છે, જેના કારણે ફક્ત કોહલી જ નહીં, બલકે વિરાટના નેતૃત્વમાં આખી ટીમ નીખરી રહી છે. મેદાન પર હવે કોહલી જે કંઈ કરે છે તેનાથી એ દેખાઈ આવે છે કે તે પરિપક્વ થઈ ગયો છે. તેણે વધુ સારી રીતે પોતાની જાત પર નિયંત્રણ રાખવાનું શીખી લીધું છે.
http://sambhaavnews.com/

You might also like