દક્ષિણ આફ્રિકામાં આજે ૨૫ વર્ષનો ઇતિહાસ બદલવા વિરાટ બ્રિગેડ મેદાનમાં

કેપટાઉન, શુક્રવાર
કેપટાઉનમાં આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટની ફ્રીડમ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થનાર છે. કેપ્ટન વિરાટ કોહલીની રાહબરી હેઠળ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આજથી આર યા પારનો જંગ શરૂ કરશે. એક કેપ્ટન તરીકે કોહલી માટે આ મેચ અગ્નિ કસોટી સમાન છે. ૨૦૧૭નું વર્ષ તેના માટે શાનદાર રહ્યું છે. એક બેટ્સમેન અને કેપ્ટન તરીકે તેનો દેખાવ આજે જોવા મળશે. આજે વિરાટ સામે આફ્રિકાને તેની જ ધરતી પર હરાવવાનો પડકાર છે, જે સ્વપ્નું માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો છેલ્લાં ૨૫ વર્ષથી જોઈ રહ્યા છે.

કોહલીએ અત્યાર સુધીમાં ૩૨ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે જેમાંથી ૨૦માં તેનો વિજય થયો છે. ત્રણમાં પરાજય અને નવ મેચ ડ્રો રહી હતી. આજે કેપટાઉનમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત ટેસ્ટ ટીમનો મુકાબલો વિશ્વની બીજા નંબરની ટેસ્ટ ટીમ સામે થઈ રહ્યો છે.

ટીમ મેનેજમેન્ટ પર ફાસ્ટ બોલરના કોમ્બિનેશનને પસંદ કરવાનો મોટો પડકાર છે. કારણ કે પાંચ ફાસ્ટ બોલરો પૈકી ઇશાંત શર્મા, મોહમંદ સામી, ભુવનેશ્વરકુમાર, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહ પૈકી કોને લેવા તે મોટો સવાલ છે. હાર્દિક પંડ્યાને ઑલરાઉન્ડર તરીકે સ્થાન મળશે તેમ સુનિશ્ચિત છે. જસપ્રીત બુમરાહને પણ ટેસ્ટ કેપ મળવાની આશા છે.

૨૦૧૪-૧૫માં ભારતે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ ૦-૨થી ગુમાવી હતી. અાપણે છમાંથી પાંચ સિરીઝ ગુમાવી છે અને એક સિરીઝ ડ્રો રહી છે. આફ્રિકાના કેપ્ટન ડુ પ્લેસિસના સુકાનીપદે દક્ષિણ આફ્રિકાએ ૧૬ ટેસ્ટ મેચ રમી છે જેમાં ૧૦માં તેનો વિજય થયો છે. જ્યારે ૩માં પરાજય અને ૩ મેચ ડ્રો રહી હતી. આફ્રિકન ટીમની જીતની ટકાવારી ૬૨.૫૦ રહી છે.

ઘરઆંગણે ડુ પ્લેસિસે સાત ટેસ્ટ મેચમાંથી છમાં જીત હાંસલ કરી છે અને એક મેચ ડ્રો રહી હતી. જીતની ટકાવારી ૮૫.૭૧ ટકા જોવા મળી છે. એટલે દક્ષિણ આફ્રિકાની ટીમને મહાત કરવી કોહલી એન્ડ કંપની માટે કપરાં ચઢાણ છે.

ક્રિકેટના નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે બંને ટીમે વચ્ચેનો મુકાલબો કસ્મોકસ ભર્યો હશે. વિરાટની રાહબરી હેઠળ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે આફ્રિકાની જ ધરતી પર ઇતિહાસ બદલવાની આ એક તક છે. હવે જોવાનું એ છે કે શું ૨૫ વર્ષની પ્રતીક્ષાનો હવે અંત આવશે અને વિરાટ બ્રિગેડ ઇતિહાસ સર્જી શકશે.

ક્રિકેટ ચાહકોની મીટ આજે શરૂ થનાર પ્રથમ ટેસ્ટ પર છે. ભારત વતી શિખર ધવન ફિટ જાહેર થયો છે અને મુરલી વિજય સાથે તે ઓપનિંગ કરશે. લોકેશ રાહુલને ટીમમાં સ્થાન નહીં મળે. અજિંક્ય રહાણે ખરાબ ફોર્મમાં છે પરંતુ તેને આ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. રોહિત શર્માને પણ ચાન્સ મળશે.

You might also like