વિરાટે નિશાન તાક્યુંઃ ‘મળી ગયોને જવાબ?’

નવી દિલ્હીઃ મોહાલી અને નાગપુરની સ્પિન પીચ પર ત્રણ દિવસમાં જીત હાંસલ કરી લીધા બાદ પણ ટીકાઓનો સામનો કરનારા ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ કોટલાની પીચ પર ધમાકેદાર જીત મેળવ્યા બાદ પોતાના ટીકાકારો પર નિશાન તાકીને વળતો હુમલો કર્યો છે.

વિરાટે ગઈ કાલે મજાકના સૂરમાં ટીકાકારો પર નિશાન તાકતાં કહ્યું કે, ”રમતની પરિસ્થિતિ કોઈ પણ હોય, મારી ટીમ પાસે હંમેશાં ‘જવાબ’ હતો કે મેચ કેવી રીતે જીતી શકાય છે.” મેચ પૂરી થયા બાદ કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘તેં એ લોકોને જવાબ આપી દીધો છે, જેઓ જાણવા ઇચ્છતા હતા કે ટીમ ઇન્ડિયા વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે રમે છે?’ ત્યારે વિરાટે કહ્યું, ”અમને જવાબની ખબર જ હતી. તમને લોકોને કદાચ જવાબ નહોતો મળતો, પરંતુ આજે મને લાગે છે કે તમને પણ જવાબ મળી ગયો છે. હું આ જ સવાલની રાહ જોતો હતો. અત્યાર સુધીમાં પાંચથી છ સવાલ પુછાઈ ચૂક્યા છે, પરંતુ પીચ અંગે હજુ સુધી એક પણ સવાલ પુછાયો નથી. બોલ ટર્ન થતો હતો એ અંગે પણ કંઈ પૂછવામાં આવ્યું નથી. મીડિયામાં જે કંઈ લખાઈ રહ્યું છે તે મારા નિયંત્રણમાં નથી, પરંતુ તૈયાર કરવામાં આવેલી પીચોના આધાર પર જીતને મૂલવવી યોગ્ય નથી.”

જ્યારે એક પત્રકારે વિરાટને પૂ્છ્યું કે ભૂતપૂર્વ કેપ્ટનો અને તેની કેપ્ટનશિપ વચ્ચે શું અંતર છે? તેના જવાબમાં કોહલીએ કહ્યું, ”વેલ પ્લેડ!” વિરાટને ખબર હતી કે આ સવાલનો ઇશારો મહેન્દ્રસિંહ ધોની અને તેની કેપ્ટનશિપ પર છે. તેણે એ પત્રકારને કહ્યું કે, ”તમે ફેરવીને બહુ સારો સવાલ પૂછી નાખ્યો છે, પરંતુ હું એ જ કહીશ કે દરેકની પોતાની સ્ટાઇલ હોય છે અને તેની સરખામણી કરવી યોગ્ય નથી.”

You might also like