મિડલ ઓવર્સમાં બોલ સોફ્ટ થઈ જતાં બોલર્સને મદદ ના મળીઃ વિરાટ

રાંચીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમના પ્રદર્શન અંગે સંતોષ વ્યક્ત કર્યો, પરંતુ સાથે એવું પણ કહ્યું કે અંતિમ દિવસે બીજા સેશનમાં બોલ સોફ્ટ થઈ જવાથી બોલર્સને મદદ મળી નહીં. મેચ બાદ કોહલીએ કહ્યું કે પહેલા સેશનમાં બોલ થોડો કડક હતો, જેનાથી અમે બે મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી શક્યા, પરંતુ બાદનાં બે સેશનમાં બોલ વધુ સોફ્ટ થતો ગયો, આથી બોલર્સને પીચમાંથી વધુ મદદ અને ઉછાળ મળ્યા નહીં. આ કારણે ઓસ્ટ્રેલિયનો માટે બેટિંગ આસાન બની ગઈ. શોન માર્શ અને હેન્ડ્સકોમ્બે સારી બેટિંગ કરી અને ટેસ્ટને ડ્રો કરાવવાનો શ્રેય  તેમને પણ આપવો જોઈએ. વિરાટે ભારતીય બોલ્રની પણ પ્રશંસા કરી હતી. ખાસ કરીને જાડેજાએ બહુ સારું પ્રદર્શન કર્યું હતું.

કોહલીએ એ વાતનો પણ સંકેત આપ્યો કે અંતિમ ટેસ્ટ માટે મોહંમદ શમીને ટીમમાં સામેલ કરાઈ શકે છે. શમીએ ગઈ કાલે રમાયેલી વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં બંગાળ તરફથી રમતા ચાર વિકેટ ઝડપી હતી. વિરાટના આ નિવેદન બાદ હવે એ જોવું દિલચસ્પ બની રહેશે કે જો મોહંમદ શમીની ટીમમાં વાપસી થશે તો અંતિમ ઈલેવનમાં તેને સ્થાન આપવા માટે કોહલી કોને બહાર બેસાડશે, કારણ કે ઈશાંત શર્મા અને ઉંમેશ યાદવે  આ શ્રેણીમાં અત્યાર સુધીમાં સુંદર બોલિંગ કરી છે.
http://sambhaavnews.com/

You might also like