વિરાટ કોહલી PNBને ‘મેરા અપના બેન્ક’ નહીં કહે?

નવી દિલ્હીઃ દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કની હાલમાં ભારતભરમાં ચર્ચા થઈ રહી છે. આ બેન્કમાં થયેલા નાણાકીય ગોટાળાએ સામાન્ય નાગરિકથી માંડીને સરકારને પણ ચોંકાવી દીધી છે. ગોટાળાનો માસ્ટર માઇન્ડ હીરા વેપારી નીરવ મોદી દેશ છોડીને ભાગી ચૂક્યો છે. આ બધા વચ્ચે હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પંજાબ નેશનલ બેન્ક સાથે પોતાનો સંબંધ ખતમ કરી નાખશે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પંજાબ નેશનલ બેન્કનો બ્રાન્ડ એમ્બેસેડર છે, પરંતુ આ ગોટાળા બાદ વિરાટ આ બેન્ક સાથેનો પોતાનો સંબંધ ખતમ કરી શકે છે. જો વિરાટ આવું કરશે તો પંજાબ નેશનલ બેન્કની પ્રતિષ્ઠાને વધુ એક મોટો ઝટકો લાગશે.

જોકે વિરાટ કોહલી અથવા પીએનબી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એક સેલિબ્રિટી હોવાને કારણે કોઈ બ્રાન્ડની ઇમેજ પર જો ડાઘ લાગે તો તેનું નુકસાન એ સેલેબ્રિટીને પણ થતું હોય છે. આથી જ સેલિબ્રિટી પોતાની ઇમેજ બચાવવા માટે આવા વિવાદથી પોતાની જાતને દૂર રાખવાનું પસંદ કરે છે.

વિરાટ કોહલીને વર્ષ ૨૦૧૬માં પીએનબીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. પંજાબ નેશનલ બેન્કની ટેગલાઇન છેઃ ‘મેરા અપના બેન્ક’. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાનાે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ કન્સ્ટ્રક્શન કંપની આમ્રપાલિના બ્રાન્ડ એમ્બેસેડર હતો,પરંતુ આમ્રપાલિ વિવાદોમાં ઘેરાતાં ધોનીએ કંપની સાથે છેડો ફાડી નાખ્યો હતો.

You might also like