કોહલીના સ્થાને ધોની કેપ્ટન હોત તો…?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ચાહકો જેટલા ઉત્સાહથી ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલની રાહ જોઈ રહ્યા હતા એટલી જ નિરાશાથી હવે આ મુકાબલો ભુલાવી દેવા ઇચ્છે છે. વિરાટ કોહલીનું બેટ, કેપ્ટનશિપ અને નસીબ – ૧૮ જૂનના એક દિવસ પહેલાં સુધી દરેક મામલામાં તેનો સાથ આપી રહ્યું હતું, પરંતુ એક જ દિવસમાં બધું જ બદલાઈ ગયું. જે ક્રિકેટ ચાહકો કોહલીને ચેઝ માસ્ટર (લક્ષ્યનો પીછો કરનાર) કહેતા થાકતા નહોતા તે લોકો હવે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાના તેના નિર્ણય સામે સવાલ ઉઠાવી રહ્યા છે. કેપ્ટન કૂલના નામથી મશહૂર મહેન્દ્રસિંહ વિકેટકીપર તરીકે મેદાન પર હાજર હતો, પરંતુ ટીમનું નેતૃત્વ તો કોહલીના હાથમાં જ હતું. ફાઇનલમાં પાકિસ્તાની ટીમે સારું પ્રદર્શન કર્યું તેની પાછળ કોહલીના કેટલાક નિર્ણયો પણ જવાબદાર હતા જ. ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે આવા સમયે નીડર નિર્ણયો લઈને મેચનું પાસું પલટી નાખતો હતો. કદાચ પાકિસ્તાન સામે પણ આવું થઈ જ શક્યું હોત. કોહલીએ ક્યાં ભૂલ કરી અને તેના સ્થાને ધોની જો કેપ્ટન હોત તો કદાચ શું કરત એ જાણવું બહુ જ દિલચસ્પ બની રહેશે.

ટોસ જીતીને બેટિંગ ના કરવી
એ વાત સાચી છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમ જીતી રહી હતી અને ટીમ ઇન્ડિયા એમ પણ રન ચેઝ કરનારી ટીમ માનવામાં આવે છે, પરંતુ ફાઇનલ જેવી મોટી મેચ સામાન્ય મેચથી બિલકુલ અલગ હોય છે. જો પીચ બોલર્સને મદદ કરતી હોય તો આ નિર્ણય સમજી શકાત, પરંતુ બેટ્સમેનોને અનુકૂળ વિકેટ પર પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કોઈને સમજમાં આવ્યો નહીં. ફાઇનલ જેવા મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ પહેલી બેટિંગ કરીને ૨૮૦-૩૦૦ રન બનાવી લીધા હોત તો પાકિસ્તાની ટીમને દબાણમાં લાવી શકાય તેમ હતી, કારણ કે ફાઇનલમાં કોઈ પણ સ્કોર ચેઝ કરવો આસાન નથી હોતો. કદાચ ધોની કેપ્ટન હોત તો ટોસ જીત્યા બાદ ભલે અગાઉની મેચોમાં બોલિંગનો નિર્ણય લીધો હોય, પરંતુ ખિતાબી મુકાબલામાં તો ધોની ટીમ ઇન્ડિયાની તાકાત કહેવાતી બેટિંગ પર દાવ લગાવત. કોહલી અહીં ભૂલ કરી બેઠો.

ધોવાઈ રહેલા બોલર્સને ચાલુ રાખ્યા
શરૂઆતની ઓવર્સમાં જસપ્રીત બૂમરાહ અને વચ્ચે અશ્વિન, જાડેજાની બોલિંગે ઘણા નિરાશ કર્યા. બાંગ્લાદેશ સામે આક્રમક જોડી તોડનારા કેદાર જાધવનો ઉપયોગ છેક ૩૯મી ઓવરમાં કરાયો. અગાઉ જ્યારે નિયમિત બોલર ધોવાઈ રહ્યા હોય ત્યારે ધોની યુવરાજસિંહને લાવીને વિકેટ ઝડપવાની કોશિશ કરતો હતો અને ધોનીને તેમાં સફળતા પણ મળતી હતી. ધોનીએ તો રોહિત શર્મા પાસે પણ બોલિંગ કરાવી છે, પરંતુ કોહલીએ એવું કંઈ કર્યું નહીં. નિયમિત બોલર ઓવર્સ ફેંકતા રહ્યા અને ધોવાતા રહ્યા. અશ્વિને ૧૦ ઓવરમાં ૭૦ રન આપ્યા, જાડેજાએ આઠ ઓવરમાં ૬૭ રન લૂંટાવી દીધા. આમ છતાં કોહલીએ યુવરાજને બોલિંગમાં અજમાવ્યો નહીં.

આમિરને હળવાશથી લીધો
જે દિવસે બોલર્સ સફળ ના રહે, એ દિવસે બેટ્સમેન ટીમને જીત સુધી પહોંચાડે છે. એક ચેમ્પિયન ટીમની આ જ નિશાની છે. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ જ્યારે મોટા લક્ષ્યનો પીછો કરવા ઊતરતી ત્યારે શરૂઆતની ઓવર્સમાં કોઈ જોખમ ના ઉઠાવીને સારા બોલર્સને સન્માન આપતી હતી અને બાદમાં આક્રમક બેટિંગ કરતી હતી, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબી મુકાબલામાં આવું કંઈ જોવા મળ્યું નહીં. રોહિત શર્માની બેટિંગ જોઈને જરાય એવું ના લાગ્યું કે તે એક મોટી મેચમાં બેટિંગ કરવા ઊતર્યો છે. બીજી ભૂલ કોહલીએ કરી. તેણે મહંમદ આમિરના પહેલા સ્પેલને પસાર કરી દેવો જોઈતો હતો. આમિર ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ કરી રહ્યો હતો અને કોહલીએ એવા જ બોલ પર છેડછાડ કરી. બધા જાણે છે કે આમિરનો પહેલો સ્પેલ જોરદાર હોય છે, જ્યારે બાદમાં તે ફિક્કો પડી જાય છે.

બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર નહીં
વર્ષ ૨૦૧૧-વિશ્વકપની ફાઇનલમાં મોટું લક્ષ્ય સામે હતું અને સચીન તેંડુલકર તેમજ વીરેન્દ્ર સેહવાગ સસ્તામાં પેવેલિયનમાં પાછા ફરી ચૂક્યા હતા. સમગ્ર વિશ્વકપમાં ફ્લોપ રહેલાે ધોની ફાઇનલમાં પોતાના પર જ દાવ રમ્યો અને ઉપલા ક્રમે બેટિંગમાં આવ્યો. શ્રીલંકન બોલર્સ સામે ધોનીએ કાઉન્ટર અટેક શરૂ કર્યું અને ધીમે ધીમે ટીમ ઇન્ડિયા મેચમાં પાછી ફરી. હવે રવિવારની મેચની વાત કરીએ.

ભારતીય ટીમમાં ફક્ત એક બેટ્સમેન રંગમાં જોવા મળ્યો. તે હતો હાર્દિક પંડ્યા. કલ્પના કરો, જો રોહિત શર્માના આઉટ થયા બાદ કોહલીએ ખુદના સ્થાને હાર્દિકને ઉતાર્યો હોત તો શું થાત? આ નિર્ણયથી બે ફાયદા થઈ શકે તેમ હતા. નસીબ સાથ આપત તો પંડ્યા પાવર પ્લેમાં તોફાની બેટિંગ કરીને પાકિસ્તાન પર દબાણ બનાવી શકત. બીજો ફાયદો એ થાત કે વિરાટ કોહલીની વિકેટ બચી જાત. પંડ્યાના આઉટ થયા બાદ તે મેદાનમાં ઊતરી શકે તેમ હતો અને ત્યાં સુધી ડાબોડી બોલર્સ આમિર અને જુનૈદ પોતાનો પહેલો સ્પેલ ખતમ કરી ચૂક્યા હોત. મોટા મુકાબલાઓમાં મોટા અને નીડર નિર્ણયોની જરૂર હોય છે, જે કોહલી લઈ શક્યો નહોતો.
http://sambhaavnews.com/

You might also like