વિરાટે ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ સદીને ગણાવી સૌથી ખાસ

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે વર્ષ ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં ૧૪૧ રનની ઇનિંગ્સ તેના માટે સૌથી ખાસ સદી હતી. તેણે કહ્યું કે આ સદીથી તેની કેપ્ટનશિપમાં ટીમનો આત્મવિશ્વાસ વધ્યો અને એનાથી ટીમના વર્તમાન સ્વરૂપનો પાયો નખાયો. હાલ આ ટીમ વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે. જોકે ભારતીય ટીમ એ મેચ જીતી શકી નહોતી અને ૩૬૪ રનના લક્ષ્યનો પીછો કરતા ૩૧૫ રનમાં ઓલઆઉટ થઈને ૪૮ રને હારી ગઈ હતી.

એક એવોર્ડ કાર્યક્રમમાં સન્માનિત થયા બાદ કોહલીએ કહ્યું, ”મને લાગે છે કે એડિલેડમાં બીજી ઇનિંગ્સમાં એ સદીથી ફેરફારનો તબક્કો શરૂ થયો. ત્યારે અમે લગભગ મેચ જીતી ચૂક્યા હતા. એ મેચમારા માટે બહુ ખાસ છે. એ મેચને હું હંમેશાં યાદ રાખીશ. સહજ રીતે જ મને વિચાર આવ્યો કે મારે ટીમ સાથે વાત કરવી જોઈએ. મેં ચોથા દિવસની રમત બાદ ખેલાડીઓ સાથે વાત કરી, ત્યારે ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ ડિકલેર નહોતી કરી. મેં ખેલાડીઓને કહ્યું કે તેઓ આપણને જે પણ લક્ષ્ય આપે, આપણે તેનો પીછો કરીશું.”

કોહલીએ અંતમાં જણાવ્યું, ”ખેલાડીઓને મારી વાત સામે વાંધો નહોતો.” એ મેચમાં કોહલી ઈજાગ્રસ્ત મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યો હતો.

એક સિદ્ધિ વિરાટની રાહ જુએ છે
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વન ડે અને ટી-૨૦ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પણ એક પછી એક રેકોર્ડ્સ બનાવી રહ્યો છે. શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચમાં તેણે શાનદાર બેવડી સદી ફટકારી હતી. આ સાથે જ તેણે કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારવાના બ્રાયન લારાના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી, પરંતુ આવતી કાલથી શરૂ થઈ રહેલી શ્રીલંકા સામેની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં વિરાટ પાસે વધુ એક માઇલ સ્ટોનને સ્પર્શવાની સોનેરી તક છે. વિરાટે હાલ ૬૨ ટેસ્ટ મેચમાં ૫૧.૮૨ રનની સરેરાશથી ૧૪ અર્ધસદી અને ૧૯ સદી સાથે ૪૯૭૫ રન બનાવ્યા છે. ૨૫ રન બનાવતાની સાથે વિરાટ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ૫,૦૦૦ રન બનાવનારો ૧૧મો ખેલાડી બની જશે.

વિરાટ ૫૦ રન બનાવ્યા બાદ તેને ૧૦૦માં તબદિલ કરવાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનનો રેકોર્ડ પણ તોડી ચૂક્યો છે. જોકે સૌથી ૫૦૦૦ રન બનાવવાનો ભારતીય રેકોર્ડ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરના નામે છે, જેણે માત્ર બાવન ટેસ્ટની ૯૫ ઇનિંગ્સમાં ૫૦૦૦ રન પૂરા કરી લીધા હતા. બીજા નંબર પર વીરેન્દ્ર સેહવાગ છે, જેણે ૫૯ મેચની ૯૯મી ઇનિંગ્સમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી પાંચ હજાર પૂરા કરવાનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે, જેમણે ૩૬ મેચની ૫૬ ઇનિંગ્સમાં પાંચ હજાર રન ફટકારી દીધા હતા.

You might also like