ઓસી. શ્રેણી પહેલાં વિરાટ પાસે ટીમ કોમ્બિનેશન સેટ કરવાની અંતિમ તક

હૈદરાબાદઃ ઓસ્ટ્રેલિયા સામેની મહત્વપૂર્ણ શ્રેણી પહેલાં બાંગ્લાદેશ સામે એકમાત્ર ટેસ્ટની શ્રેણી ભારતીય ટીમ માટે અંતિમ તક બની રહેશે, જ્યાં ટીમનું કોમ્બિનેશન પારખી શકાશે. એમ તો વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં સ્પષ્ટ કરી દીધું હતું કે પીચ અને ટીમની જરૂરિયાત પ્રમાણે ટીમની પસંદગી કરાશે, કોઈ મોટું નામ જોઈને નહીં. આવતી કાલે સવારે ૯.૩૦થી ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટનો પ્રારંભ થશે. આ ટેસ્ટ કેપ્ટન વિરાટ માટે ટીમનું સંતુલન બનાવવા માટે બહુ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે.

ટીમ ઇન્ડિયા માટે મુરલી વિજય એક શાનદાર ઓપનર સાબિત થયો છે. વિજયે ગત વર્ષમાં ૧૦ ટેસ્ટ રમતાં બે સદી અને બે અર્ધસદીની મદદથી ૫૫૦ રન બનાવ્યા છે. વિજયની સાથે શિખર ધવનની જોડી હિટ રહી, પરંતુ ધવનના આઉટ ઓફ ફોર્મ હોવાની સ્થિતિમાં લોકશ રાહુલને તક મળી તો રાહુલે તેનો ફાયદો ઉઠાવ્યો. રાહુલે ગત ૧૨ મહિનામાં રમેલી સાત ટેસ્ટમાં ૫૩૯ રન બનાવ્યા. આ દરમિયાન તેણે બે સદી અને એક અર્ધસદી પોતાના નામે નોંધાવી દીધી. જ્યારે બાંગ્લાદેશ સામે પસંદગીકારોએ અભિનવ મુકુંદને સામેલ કરીને ઓપનિંગમાં વધુ એક વિકલ્પ કેપ્ટન કોહલીને આપી દીધો છે.

મિડલ ઓર્ડરમાં દાવેદારી
ટીમ ઇન્ડિયામાં મિડલ ઓર્ડરના સ્થાન માટે અજિંક્ય રહાણે, કરુણ નાયર અને રોહિત શર્મા જેવા ત્રણ દમદાર બેટ્સમેન લાઇનમાં ઊભા છે. રહાણે કે રોહિતની કાબેલિયત પર કોઈને શંકા નથી, બીજી તરફ ભારતના બીજા નંબરના ત્રેવડી સદી ફટકારનારા કરુણને પસંદગીકારો ઓસી. સામેની શ્રેણીમાં આસાનીથી નજરઅંદાજ નહીં કરી શકે. રહાણેએ ગત વર્ષે રમેલી ૧૦ ટેસ્ટમાં ૬૫૩ રન બનાવ્યા, જેમાં બે સદી, બે અર્ધસદી સામેલ છે. અહીં રેસમાં રહાણે સૌથી આગળ નજરે પડી રહ્યો છે. ટેસ્ટમાં રોહિતનો રેકોર્ડ બહુ ખાસ નથી રહ્યો. શક્ય છે કે ઓસ્ટ્રેલિયા સામે રોહિત કરુણ નાયર સામેની રેસમાં હારી જાય.

કુલદીપ અથવા જયંત
કાંગારું ટીમ સામે સ્પિન ડિપાર્ટમેન્ટમાં આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજાનું સ્થાન નક્કી છે, પરંતુ અમિત મિશ્રા ઈજાગ્રસ્ત થતાં હાલ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ચાઇનામેન કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે કુલદીપ અને જયંત યાદવ વચ્ચે સ્પર્ધા થઈ શકે છે. જયંતે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરીને બધાંને પ્રભાવિત કર્યાં હતાં. બોલ અને બેટ-બંનેથી જયંત અસરકારક સાબિત થયો હતો, જ્યારે કુલદીપનું ટીમમાં હોવું કોહલીના પ્લાન પર નિર્ભર કરે છે. જો કોહલી છ બેટ્સમેન સાથે મેદાનમાં ઊતરે તો સ્પિનર્સમાં કોને મહત્ત્વ મળશે તેનો અંદાજ લગાવવો બહુ મુશ્કેલ નથી.

પટેલ અથવા સાહા
પાર્થિવ પટેલ કે ઋદ્ધિમાન સાહા? આ સવાલનો જવાબ પસંદગીકારોએ આવતી કાલથી શરૂ થઈ રહેલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં સાહાને પસંદ કરીને ભલે આપી દીધો હોય, પરંતુ પાર્થિવે ઈંગ્લેન્ડ સામે એક બેટ્સમેન તરીકે પોતાની દાવેદારી મજબૂતીથી રજૂ કરી છે. પસંદગીકારો પાર્થિવને ઓપનરની જેમ ટીમમાં સામેલ કરીને કંઈક નવું કરી શકે છે. પટેલે ૨૩ ટેસ્ટ મેચમાં ૩૩.૭૬ની સરેરાશથી ૮૭૮ રન બનાવ્યા છે અને બાવન કેચ અને દસ સ્ટમ્પિંગ કર્યાં છે, જ્યારે સાહાએ ૨૦ ટેસ્ટ મેચમાં ૨૮.૧૯ની સરેરાશથી ૭૩૩ રન બનાવ્યા છે, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૧ કેચ અને સાત સ્ટમ્પિંગ કર્યાં છે.

આવતી કાલે આ ઓપનિંગ જોડી હશે?
હાલ એ સ્પષ્ટ છે કે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં લોકેશ રાહુલ અને મુરલી વિજયની ઓપનિંગ જોડી સાથે જ મેદાનમાં ઊતરશે. પાછલી કેટલીક ટેસ્ટના આંકડા પર નજર કરીએ તો આ જોડીએ પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડી નથી. ઈંગ્લેન્ડ સામે ગત શ્રેણીમાં વિજયે બે સદી ફટકારી (૧૨૬ અને ૧૩૬), જ્યારે લોકેશ રાહુલે પણ અંતિમ ટેસ્ટમાં ૧૯૯ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. બંને વચ્ચે તાલમેલ પણ ઘણો સારો છે. આ સ્થિતિમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી અને કોચ કુંબલે આ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરે. જો બેમાંથી કોઈને ફિટનેસની સમસ્યા સર્જાય થાય તો જ તામિલનાડુના ઓપનર અભિનવ મુકુંદને અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકશે.
http://sambhaavnews.com/

You might also like