અરે છોડો વિશ્વકપ! એકલા વિરાટથીય સારું પ્રદર્શન કરી ના શકી આખી ટીમ

અમદાવાદઃ પોતાના જ દેશમાં રમાઈ રહેલા વિશ્વ કપમાંથી ભારત બહાર ફેંકાઈ જતાં પ્રશંસકો નિરાશ થયા છે. વિશ્વ કપની પહેલાં આપણે પ્રબળ દાવેદાર હતા, કારણ કે ટીમમાં બધાં મોટાં નામ સામેલ હતાં, પરંતુ પ્રદર્શનની વાત કરીએ તો એકલો વિરાટ જ ચાલ્યો. અન્ય બધાનું પ્રદર્શન સામાન્ય કક્ષાનું રહ્યું અને એવા પ્રદર્શનના સહારે વિશ્વ ચેમ્પિયન બની શકાતું નથી. ભારતની સેમિફાઇનલ સુધીની સફરમાં એકલા વિરાટે જેટલા રન બનાવ્યા, એટલા ટીમના ટોચના ચાર બેટ્સમેન સાથે મળીને પણ બનાવી શક્યા નહીં. અન્ય બાબતોમાં પણ વિરાટ આખી ભારતીય ટીમ પર ભારે પડ્યો.

સૌથી વધુ રનઃ ભારતીય ટીમમાં વિરાટ સિવાય યુવરાજસિંહ, સુરેશ રૈના, રોહિત શર્મા અને શિખર ધવન બેટ્સમેન તરીકે રમ્યા. વિરાટે કુલ પાંચ ઇનિંગ્સમાં ૨૭૩ રન બનાવ્યા, જ્યારે બાકીના ચારેય બેટ્સમેનોએ કુલ ૧૭ ઇનિંગ્સમાં ૨૨૪ રન બનાવ્યા.

સૌથી વધુ વ્યક્તિગત સ્કોરઃ સૌથી વધુ વ્યક્તિગત સ્કોરની વાત કરીએ તો વિરાટે ૮૯ રનની અણનમ ઇનિંગ્સ રમી, જ્યારે આખી ટીમમાં બીજો સર્વોચ્ચ સ્કોર ૪૩ રનનો રહ્યો, જે રોહિત શર્માએ બનાવ્યો હતો.

સરેરાશઃ વિરાટે ૧૩૬.૫૦ની સરેરાશથી રન બનાવ્યા, જ્યારે આખી ભારતીય ટીમમાં કોઈ પણ આ મામલે વિરાટની આસપાસ પણ ફરકી શકે એમ નથી. ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ૮૯ રનની સરેરાશ સાથે બીજા સ્થાને રહ્યો, ત્યાર છી ટોચના ચારેય બેટ્સમેન (રોહિત, રૈના, યુવરાજ, ધવન)ની સરેરાશ ૨૦ સુધી પણ નથી પહોંચી શકી. ફક્ત એક મેચ રમેલા અજિંક્ય રહાણેએ ૪૦ રન બનાવવાની સાથે ૪૦ની સરેરાશ મેળવી.

સ્ટ્રાઇક રેટઃ ટી-૨૦ મેચમાં સ્ટ્રાઇક રેટ સૌથી મહત્ત્વનો હોય છે. સૌથી વધુ રન બનાવવા છતાં વિરાટનો સ્ટ્રાઇક રેટ ૧૪૬.૭૭નો રહ્યો, જ્યારે બીજા સ્થાને રહેલા ધોનીનો સ્ટ્રાઇક રેટ ૧૨૭ રનનો રહ્યો.

અર્ધસદીઃ ટી-૨૦માં અર્ધસદીને પણ સદી જેટલું જ સન્માન મળે છે. વિરાટે સૌથી વધુ ત્રણ અર્ધસદી ફટકારી, જ્યારે આખી ટીમમાં કોઈ પણ આવું કરી શક્યું નહીં.

ચોગ્ગા-છગ્ગાઃ વિરાટે એકલાએ ૨૯ ચોગ્ગા ફટકાર્યા, જ્યારે બાકીના બધા બેટ્સમેનો મળીને પણ એટલા ચોગ્ગા ફટકારી શક્યા નહીં. વિરાટે સૌથી વધુ પાંચ છગ્ગા ફટકાર્યા અને કોઈ અન્ય આવું કરી ના શક્યું. રોહિત શર્મા ચાર છગ્ગા સાથે બીજા સ્થાને છે.

You might also like