પોલીસ પાસેથી છીનવેલી ઈન્સાસ રાઈફલ સાથે ૧૨ આતંકીઓનો વીડિયો વાઈરલ

શ્રીનગરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તંગદિલીભરી પરિસ્થિ‌િતનું નિર્માણ થયું છે ત્યારે આતંકવાદીઓની એક નવી ખેપ બહાર આવી છે, જેમાં ૧૨ આતંકીઓનો જે વીડિયો વાઈરલ થયો છે તેમાં નવ નવા ચહેરા જોવા મળે છે અને તેમના હાથમાં પોલીસ પાસેથી છીનવી લીધેલી ઈન્સાસ રાઈફલ પણ જોવા મળી રહી છે ત્યારે સેના અને ગુપ્તચર વિભાગની એજન્સીઓ આ વીડિયોની તપાસ કરી રહી છે.

આ વીડિયોમાં જે ૧૨ આતંકીઓની ટોળી જોવા મળે છે તેમાં નીચે સાત આતંકી બેઠેલા જોવા મળે છે અને તેમની પાછળ પાંચ ત્રાસવાદી બેઠેલા જોવા મળે છે. આ તમામના હાથમાં ઓટોમેટિક હથિયાર છે અને તેને હવામાં લહેરાવતા જોવા મળી રહ્યા છે અને આ તમામ ખુશખુશાલ જણાઈ રહ્યા છે. તેઓ તેમના ચહેરા છુપાવવાનો પ્રયાસ કર્યા વિના કોઈ પણ જાતના ડર કે તણાવ વિના હાથમાં ઓટોમેટિક હથિયારો ઊંચાં કરી બતાવતા નજરે પડે છે.
એકે-૪૭ દર્શાવતા જોવા મળ્યા

આ વીડિયોની પહેલી હરોળમાં સૌથી પહેલાં ડાબી બાજુ જોવા મળતા આતંકીના હાથમાં એકે-૪૭ જોવા મળે છે. ત્યારબાદ તેની નજીકના આતંકી પાસે પણ એકે-૪૭, ત્રીજા પાસે પણ એકે-૪૭ તેમજ ચોથા અને પાંચમા પાસે એકે-૪૭ અથવા એકે-૫૬ને હાથમાં રાખેલ જોવા મળી રહ્યા છે. જ્યારે છઠ્ઠા આતંકી પાસે ઈન્સાસ રાઈફલ જોવા મળી હતી જ્યારે બાકીના બે પાસે પણ એકે-૪૭ હોવાનું જોવા મળ્યું હતું.

આ ઉપરાંત તેમની પાછળ બેઠેલા આતંકીઓ પાસે એકે-૪૭, બીજા પાસે એસએલઆર રાઈફલ તેમજ ત્રીજા અને ચોથા પાસે કલાસનિકોવ જેવાં હથિયાર છે. આ ટોળીમાં માત્ર ૧૨ આતંકી જ નથી પણ એક અન્ય શખ્સ પણ આ ગેંગમાં સામેલ છે, જે કાશ્મીરની શાંતિને ડહોળી રહ્યા છે.

નવ ચહેરા પહેલી વાર જોવા મળ્યા
જાણવા મળતી માહિતી અનુસાર આ વીડિયોમાં જે ૧૨ આતંકી જોવા મળે છે તેમાંથી નવ ચહેરા તો પહેલી વાર જ જોવા મળ્યા છે એટલે કે આ ટોળી નવી છે. તેથી હવે સેના આ વીડિયો ક્યારે બનાવવામાં આવ્યો હતો અને આ આતંકીઓ હાલ ક્યાં છે? તે અંગે તપાસ કરી રહી છે.

You might also like