શું આગામી 20 વર્ષમાં ભારતમાં હિંદુઓનો ખાત્મો થઇ જશે?, જાણો શું છે વાઇરલ સત્ય…..

શું આગામી 20 વર્ષોમાં ભારતમાં હિન્દુઓની સંખ્યા ફક્ત 30 ટકા થઈ જશે. તેની સામે શું મુસ્લિમોની સંખ્યા 80 ટકા થઈ જશે. સોશિયલ મીડિયામાં વાયરલ એક મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં અમુક વર્ષોનાં આંકડા પણ જણાવવામાં આવ્યાં છે. ત્યારે આવો જાણીએ શું છે આ મેસેજની હકીકત……

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ મેસેજમાં છેલ્લાં ઘણાં સમયથી આ મેસેજ ચર્ચામાં છે અને આંકડા સાથે એક વાત સાબિત કરવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. આ મેસેજ વાંચતા જ ઘણાં લોકોની ચિંતા પણ ભારે વધી રહી છે. તેમજ ઘણા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે.

વાયરલ મેસેજ પર નજર કરીએ તો તેમાં સૌથી ઉપર એવું લખ્યું છે કે,”બસ થોડાં વર્ષો સુધી હોળી દિવાળી મનાવી લો. આ તહેવારો થોડાં વર્ષો પછી કોણ ઉજવશે?” એક રિસર્ચમાં આવો દાવો કરવામાં આવી રહ્યો છે. મેસેજમાં અમુક આંકડાઓ પણ બતાવવામાં આવ્યાં છે. જેનાં પર ક્રમબદ્ધ નજર કરીએ તો.

ભારતમાં વર્ષ 1948માં હિંદુ 88.2 ટકા હતાં તો મુસ્લિમ 6 ટકા હતાં તેમજ 1951માં હિંદુ 84.1 ટકા અને મુસ્લિમ 9.8 ટકા હતાં. તો આ સાથે જ 2011માં હિંદુ 68.6 ટકા અને 27.2 ટકા હોવાનો દાવો કરાયો છે. ત્યાર બાદ ક્રમબદ્ધ જો નીચેનાં આંકડા જોઈશું તો તેમાં હિંદુઓની સંખ્યા ઘટી રહી છે અને મુસ્લિમોની સંખ્યા વધી રહી છે.
આખરે વર્ષ 2041માં અંદાજીત આંકડાઓ રજૂ કરાયા છે.

જેમાં હિંદુઓ 11.2 ટકા અને મુસ્લિમ 84.5 ટકા સુધી પહોંચી જશે. આમ, વાયરલ આ મેસેજમાં આંકડાકીય માહિતી આપીને એ જણાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આગામી 40 વર્ષો બાદ ભારતમાં મુસ્લિમોની સંખ્યા વધી જશે. આંકડાઓ પૂરા થાય છે ત્યારે જ નીચેની લાઈનમાં લખ્યું છે. હજી પણ સમય છે. હજી જો એકતા નહીં દેખાડો તો સમાપ્તિ માટે તૈયાર રહેજો.

વાયરલ થઈ રહેલો આ મેસેજ ચોંકાવનારો છે અને હિંદુઓને જાગૃત થવાની અપીલ કરવામાં આવે છે. મેસેજ લોકોને ભડકાવનારો છે પરંતુ લોકોમાં કોઈ ભ્રમણા ન રહે તેમજ સમાજમાં સૌહાર્દ રહે તે હેતુથી અમે આ મેસેજની તપાસ કરવાનો નિર્ણય કર્યો.

આપને જણાવી દઈએ કે, ભારત દરેક ધર્મોને સન્માન આપતું આવ્યું છે તેમજ તમામ ધર્મોનાં લોકો હળીમળીને પ્રેમભાવથી રહેતાં આવ્યાં છે. અન્ય ધર્મોમાં કોઈ વેરઝેર ન રહે તે માટે હંમેશાંથી પ્રયાસો કરવામાં આવ્યાં છે.

પરંતુ આવાં જ મેસેજને પગલે ઘણાં લોકોનાં મનમાં ઝેરની બીજ રોપાય છે. લોકોને લાગે છે કે વોટ્સએપ યુનિવર્સિટીમાં સમાચાર આવ્યાં તો સાચાં જ હશે અને તેની તપાસ પણ કરતાં નથી. ત્યારે આવો આપને બતાવી દઈએ કે આ મેસેજની શું છે હકીકત.

વાયરલ મેસેજની અમારા સંવાદદાતાએ તપાસ હાથ ધરી છે અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે જે આંકડાઓ આપવામાં આવ્યાં છે કે તે કેટલાં સાચાં હોઈ શકે છે.. અમારા સંવાદદાતાએ ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગનાં HOD ડોક્ટર ગૌરાંગ જાનીનો સંપર્ક કર્યો હતો અને તેમને વાયરલ મેસેજ બતાવતા તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું વાસ્તવમાં ભારતમાં આ રીતે મુસ્લિમોની સંખ્યા વધી જશે?

તેમજ શું હિન્દુઓની સંખ્યા ઘટી જશે? ત્યારે આ વાયરલ મેસેજ બાબતે ડોક્ટર ગૌરાંગ જાનીનાં જણાવ્યાં મુજબ વાયરલ મેસેજમાં જે તર્ક આપવામાં આવ્યાં છે તે ખોટાં છે તો આ સાથે વાયરલ મેસેજ કેવી રીતે ખોટો છે તેનાં પર તેમણે વધુ એક તર્ક પણ આપ્યો હતો.

આમ એક્સપર્ટનું માનવું છે કે વાયરલ મેસેજનાં આંકડા ખોટાં છે તેમજ મુસ્લિમોની સંખ્યા હિન્દુઓની સંખ્યાને પણ આંબી જશે તે વાતનો ઈન્કાર કર્યો છે પરંતુ વાસ્તવમાં 2011ની વસ્તી ગણતરીનાં આંકડામાં કેટલાં ટકા હિંદુ-મુસ્લિમ છે તે જાણવું પણ જરૂરી હતું. માટે અમે તપાસ આગળ વધારી અને 2011નાં સેન્શસનાં આંકડા તપાસી જોયાં છે.

જેમાં સ્પષ્ટતા થઈ કે, વર્ષ 2011માં હિંદુઓની સંખ્યા 80 ટકા હતી. જ્યારે મુસ્લિમોની સંખ્યા 14.23 ટકા જોવા મળી. તો બીજી બાજુ વાયરલ મેસેજમાં 2011નાં આંકડા અલગ જોવાં મળ્યાં છે.

જેમાં હિંદુઓ 2011માં 68.6 ટકા અને મુસ્લિમ 27.2 ટકા હોવાનો દાવો કરાયો છે. આમ; અમારી તપાસમાં મેસેજનાં આંકડા ખોટા સાબિત થયાં છે. ખોટા હેતુ સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ આંકડા સમાજને ભ્રમિત કરનાર છે. એક્સપર્ટનું પણ માનવું છે કે આ મેસેજ ખોટો છે.

આમ; વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. આગામી 20 વર્ષો બાદ ભારતમાં મુસ્લિમોની સંખ્યા હિંદુઓ કરતાં વધી જશે તે દાવો ખોટો સાબિત થયો છે તેમજ 2011નાં વસ્તી ગણતરીનાં આંકડા મુજબ આ મેસેજમાં આંકડા રજૂ કરવામાં આવ્યાં નથી.

You might also like