વીરલની હત્યા જાણભેદુએ કર્યાની આશંકા

અમદાવાદ: નિકોલ એસપી રિંગ રોડ પર મોડી રાતે યુવતી સાથે બાઇક પર બેઠેલા એમબીએના વિદ્યાર્થીની કરપીણ હત્યા કરવાના ચકચારી કિસ્સામાં કોઇ જાણભેદુ સંડોવાયેલો હોય તેવી પોલીસે આશંકા વ્યકત કરી છે. યુવકની હત્યાનો ભેદ ઉકેલવા માટે નિકોલ પોલીસે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. નોબલનગરના સ્વામિનપાર્કમાં રહેતી 22 વર્ષિય શાલિનીબેન ઉર્ફે શાલુ અરુણકુમાર રાજપૂત અને ઓઢવ વિરાટનગર ખાતે આવેલ સદન સોસાયટીમાં રહેતો વીરલ ઉર્ફે વિકી ક્ષત્રિય 26મી જાન્યુઆરીની રાતે સવા આઠ વાગ્યાની આસપાસ એસપી રિંગ રોડ પર આવેલા વિન્ટેજ વિલા રેસ્ટોરાંથી વસાણી ફાર્મથી ઉદય ઓટો લિંક તરફ જતા સર્વિસ રોડ ઉપર મોબાઇલ ટાવરના થાંભલા પાસે બાઇક પાર્ક કરીને બેઠાં હતાં. તે દરમ્યાન બાઇક પર આવેલા ત્રણ શખ્સો બુકાની પહેરીને આવ્યા હતા અને તમે અહીં કેમ ઊભા છો તેમ કહીને બોલાચાલી શરૂ કરી હતી.

ઉગ્ર બોલાચાલી બાદ વીરલ પર બુકાનીધારીઓએ હુમલો શરૂ કરી દીધો હતો જૈ પૈકી એક શખ્સ વીરલની છાતીમાં છરી ચપ્પાના ધા ઝીકીને ફરાર થઇ ગયાે હતાે. ઇજાગ્રસ્ત વીરલને સરવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના મામલે નિકોલ પોલીસે તપાસ શરૂ કરી છે અને હત્યામાં સંડોવાયેલા બુકાનીધારીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

નિકોલ પોલીસ સ્ટેશનના પીઅાઈ સી.બી.ગામિતે જણાવ્યુ છે કે શાલિનીનું નિવેદન લેવાઇ ગયું છે. ત્યારે હત્યા કોણે કરી છે તે મામલે આરોપી સુધી પહોંચવા માટે કોઇ કડી મળી નથી. લૂંટના ઇરાદે હત્યા થઈ નથી. લૂંટના ઇરાદે હત્યા કરાઇ હોત તો શાલિની તથા વીરલને લૂંટવાની કોશિશ કરી હોત, વીરલ પર સીધો હુમલો કરી દીધો છે. હત્યા પાછળ કોઇ જાણભેદુ પણ હોઇ શકે છે જે મામલે હજુ કોઇ ઠોસ પુરાવા નથી મળ્યા પરંતુ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
http://sambhaavnews.com/

You might also like