‘વીરે દી વેડિંગ’ ફિલ્મ પર પાકિસ્તાનમાં શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?

મુંબઇ: હાલમાં ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. ફિલ્મમાં કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શીખા તલસાણિયા લીડ રોલમાં છે. ફિલ્મમાં ચાર સહેલીઓની કહાણી છે. આ ચાર ફેન્ડ્સ પોતાની જિંદગીને પોતાની રીતે જીવે છે. આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદથી તેની ચર્ચા જોરશોરથી થઇ રહી છે.

કેટલાક લોકોને તેનું ટ્રેલર અને ચારેય અભિનેત્રીઓનો અંદાજ ખૂબ જ પસંદ પડ્યો છે તો કેટલાક લોકોએ તેના પર વિરોધ પણ વ્યક્ત કર્યો છે. ફિલ્મની રિલીઝમાં હવે એક જ દિવસની વાર છે ત્યારે એક ઝટકો મળ્યો છે. પાકિસ્તાનમાં ફિલ્મની રિલીઝ રોકી દેવામાં આવી છે. પાકિસ્તાનના સેન્સર બોર્ડે ફિલ્મમાં બોલાયેલા વાંધાજનક ડાયલોગના કારણે આ ફિલ્મને બેન કરી દીધી છે.

સેન્સર બોર્ડના સભ્યો માટે ફિલ્મનું સ્ક્રીનિંગ કરાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર અભદ્ર ભાષા અને અશ્લીલ દૃશ્યોના કારણે બોર્ડે ફિલ્મની રિલીઝને યોગ્ય ગણાવી નથી. ઉલ્લેખનીય છે કે ભારતમાં આ ફિલ્મને એ સર્ટિફિકેટ સાથે રિલીઝની મંજૂરી મળી છે.

ફિલ્મના પ્રોડ્યૂસર અનિલ કપૂરે ખુદ સેન્સર બોર્ડને એ સર્ટિફિકેટ આપવાનું કહ્યું હતું, જેથી ફિલ્મમાં કોઇ કટ ન લગાવવામાં આવે. ‘વીરે દી વેડિંગ’ આવતી કાલે રિલીઝ થઇ રહી છે. મજાની વાત એ છે કે આ જ દિવસે સોનમ કપૂરના ભાઇ હર્ષવર્ધન કપૂરની ફિલ્મ ‘ભાવેશ જોશી સુપરહીરો’ રિલીઝ થઇ રહી છે.

You might also like