અંબાજીમાં વીઆઈપી દર્શન બંધ

અમદાવાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં નવા વર્ષથી વીઆઈપીઓની દર્શન વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થાની લાગણીને મહત્ત્વ આપી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લાં અનેક વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પૂજારી અને બ્રાહ્મણોને જ પ્રવેશ કરવાની અનુમતિ હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી મંદિરના ગર્ભગૃહમાં વીઆઈપી માણસો અને ઉચ્ચ લોકો દર્શન કરવા માટે જતા હતા.

સામાન્ય માણસો કલાકો સુધી લાઈનમાં ઊભા રહી મા અંબાનાં દર્શન કરતા જ્યારે વીઆઈપીને અન્ય દ્વારથી સીધાે ગર્ભગૃહમાં પ્રવેશ અપાતાં અનેક સવાલો ઊભા થયા હતા. જેને લઈ આ વર્ષથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીને ધ્યાનમાં રાખી વીઆઈપી દર્શનની વ્યવસ્થા બંધ કરાઈ છે.

પૂજારી અને બ્રાહ્મણો સિવાય કોઈ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે નહીં. હવેથી વીઆઈપીએ પણ સામાન્ય માણસો-દર્શનાર્થીઓની જેમ બહારથી દર્શન કરવાનાં રહેશે. માતાજીના દરબારમાં વીઆઈપી અને સામાન્ય લોકોનો ભેદ કરાતાં અનેક લોકોમાં રોષ રોષ ફેલાયો હતો. જોકે હવેથી મંદિરમાં આ વીઆઈપી દર્શન વ્યવસ્થા બંધ કરી દેવામાં આવતાં માઈભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

You might also like