યુવાનના હુમલામાં મોત બાદ હિંસક દેખાવ : ભારે તોડફોડ

અમદાવાદ : વલસાડ જિલ્લાના લાવાછા વિસ્તારમાં ઉત્તર ભારતીય લોકો એકાએક આજે હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. ગ્રામીણ વલસાડમાં પોલીસ જુથ સહિત ત્રણ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. સાથે-સાથે મોબાઈલ ફોનની દુકાનને આગ ચાંપવાના પ્રયાસ કરાયા હતા. હિંસક બનેલા ટોળાએ જોરદાર પથ્થરમારો ચલાવ્યો હતો અને સ્થિતિને તંગ કરી દીધી હતી. નજીવી બાબતે સ્થાનિક લોકો દ્વારા ઉત્તરપ્રદેશના એક નિવાસી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યા બાદ ઈજાના કારણે આ વ્યક્તિનું મોત થયા બાદ ઉત્તરપ્રદેશના નિવાસી લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા અને ભારે તોડફોડ કરી હતી.

અંતિમ સંસ્કારવેળા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી તથા હુમલાખોરોની તાત્કાલિક ધરપકડની માંગણી કરીને દેખાવો કર્યા હતા. પોલીસને સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. વધારાના સુરક્ષા જવાનો હવે ગોઠવી દેવાયા છે. બનાવની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની તથા ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. બીજીબાજુ ઉશ્કેરાયેલા ઉત્તર ભારતીય લોકોએ પોલીસ વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ચોથી ડિસેમ્બરના દિવસે નજીવી બાબતે ચાર સ્થાનિક યુવકોએ ૨૭ વર્ષીય સુરેશ તિવારી નામના યુવક પર હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીરરીતે ઘાયલ થયો હતો. મોડેથી વિનોબાભાવે હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. મોટરસાઈકિલ ધીમે ચલાવવા હુમલાખોરોને કહેવામાં આવતા આ લોકોએ તિવારી ઉપર હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ યુવકના પરિવારજનો યુવકના મૃતદેહને લઇ ધરણા પર બેઠા હતા.

યુવકના પરિવારજનો દ્વારા વાપી-સેલવાસ રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જી હતી. પરિવારજનો દ્વારા દુકાન ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરતા તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી આવ્યા હતા અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મામલો બિચકતા પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

જેને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો સહિત અન્ય વાહનોની તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. પોલીસતંત્ર દ્વારા આ વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા કરવામાં આવેલા ચક્કાજામના કારણે હાઈવે પર સાત કિલોમીટર સુધી ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ હતી.

You might also like