ગૌહત્યાનાં મુદ્દે કોંગ્રેસ-ભાજપના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા

અમદાવાદ : શહેરનાં સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ગૌહત્યાનાં વિરોધમાં ગૌભક્ત ચૈતન્યશંભુ મહારાજ 48 કલાકનાં પ્રતીક ઉપવાસ પર બેઠા છે. ત્યારે ઉપવાસનાં સ્થળે કોંગ્રેસ અને ભાજપનાં કાર્યકરો વચ્ચે મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા. ઉપવાસ સ્થળે કોંગ્રેસ અને ભાજપનાં કાર્યકરો વચ્ચે ઉગ્રબોલાચાલી બાદ મામલો બિચક્યો હતો.

જેમાં કોંગ્રેસનાં શહેર પ્રમુખ ચેતન રાવલ અને પૂર્વ મેયર અમિતશાહ વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટનામાં કોંગ્રેસનાં શહેર પ્રમુખનો શર્ટ ફાટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ઉપવાસ સ્થળે સ્વામીનારાયણ સંપ્રદાયનાં સાધુ સંતો ઉપરાંત ભાજપનાં કાર્યકરો પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. અચાનક કોંગ્રેસનાં કાર્યકરો પણ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ અનુસાર અમારા કાર્યકરોને જોઇ ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને અમારા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા.

જો કે ભાજપનો આક્ષેપ છે કે, મારામારીની શરૂઆત કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. હાલમાં જ પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીનાં અનુસાર 2017માં સત્તા જવાનાં ડરથી ભાજપ અને તેના મળતીયાઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા.

You might also like