વિંઝોલ મ્યુનિ. શાળાનાં ૧પ૦ બાળકો શિક્ષણથી વંચિત થયાં

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ભણતાં બાળકો પૈકી દૂરના વિસ્તારનાં બાળકોને શાળા સુધી લાવવા-લઇ જવા સર્વ શિક્ષા અભિયાનની ગ્રાંટ હેઠળ વાહનોની વ્યવસ્થા કરાઇ છે. ખાનગી કોન્ટ્રાક્ટરો સંચાલિત આ વાહનોનો ઉપયોગ આવાં બાળકો માટે કરાય છે, પરંતુ વિંઝોલ મ્યુનિ. કોર્પોરેશન શાળાનાં ૧પ૦ બાળકો અઠવાડિયાથી ટ્રાન્સપોર્ટ સેવા બંધ થવાથી શિક્ષણથી વંચિત થયાં છે. દરમ્યાન આ મામલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા આજે બપોરે શાળાના આચાર્ય સમક્ષ ઉગ્ર રજૂઆત કરાઇ હતી.

વિંઝોલની પ્રાથમિક શાળા નં.૧૩માં અન્ય મ્યુનિ. શાળાઓની જેમ શાળા વ્યવસ્થાપન સમિ‌િત દ્વારા દૂરના વિસ્તારોનાં બાળકો માટે વહનની વ્યવસ્થા કરાઇ છે. ખાનગી કોન્ટ્રાક્ટરની એક મોટી બસ અને બે નાનાં વાહન મળીને કુલ ત્રણ વાહનનો કુલ ૮૪ બાળક લાભ લેતાં હતાં, જોકે હવે દૂરના વિસ્તારોમાં રહેતાં બાળકોની સંખ્યા વધીને ૧પ૦ થઇ છે, જેના કારણે શાળા અને કોન્ટ્રાકટર વચ્ચે વિવાદ સર્જાયો છે.

સ્કૂલબોર્ડના સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટર પાસે બીજા ફેરાનો આગ્રહ રાખે છે. જ્યારે કોન્ટ્રાકટર પ્રતિબાળક રૂ.૩૦૦નો દર મહિને ચૂકવાતો ભાવ પોસાતો ન હોવાના ગાણાં ગાઇને વધુ બીજો ફેરો કરવાનો ઇન્કાર કરે છે, જેના કારણે છેલ્લા અઠવાડિયાથી ટ્રાન્સપોર્ટ સેવા બંધ હોઇ આ બાળકો શિક્ષણથી વંચિત બન્યાં છે.
આરટીઓના નિયમ મુજબ મોટા વાહનમાં પ૪ બાળક અને નાના વાહનમાં ૧૪ બાળકની મંજૂરી હોઇ વાહનમાં બાળકોને ઠાંસી ઠાંસીને ભરી તેમના જીવનને જોખમમાં મૂકી ન શકાય તેમ સ્કૂલબોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઇ કહે છે. તેઓ વધુમાં કહે છે કે, સમગ્ર રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ બાળકદીઠ રૂ.૩૦૦નો ભાવ મંજૂર કરાયો છે એટલે આ ભાવમાં વધારો કરીને આપવાનું શક્ય નથી.

તંત્ર વિંઝોલ શાળાના કોન્ટ્રાક્ટરને વધારાનું વાહન મૂકવાની તાકીદ કરશે.દરમ્યાન સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલે એવો આક્ષેપ કર્યો છે કે આ શાળા શરૂ થઇ ત્યારથી ટ્રાન્સપોર્ટ સેવા ઠપ છે. સ્કૂલબોર્ડના સત્તાવાળાઓ પણ પ્રશ્નના ઝડપી નિરાકરણ માટે રસ દાખવતા નથી. પરિણામે દૂરના વિસ્તારનાં ગરીબ બાળકો શિક્ષણ મેળવી શકતાં નથી.

You might also like