અનંત સુખ આપનારી અદ્દભૂત વિનાયક ચતુર્થી

દર માસની સુદ તથા વદ ચોથના દિવસે અનુક્રમે ગણેશ ચોથ તથા સંકટ ચોથ આવે છે. જો સુદમાં ચોથ મંગળવારે આવતી હોય તો તેને અંગારકી ગણેશ ચોથ કહેવાય છે.
જ્યારે વિનાયક ચોથ હોય ત્યારે સવારે પ્રાતઃકાળે ઊઠી દેવસેવા કરી લેવી. ગણેશજીનું સતત સ્મરણ કરવું. ગણેશજીનું ષોડ્શોપચારે પૂજન કરવું. ગણેશજીમાં જ ચિત્ત રાખવું. તેલ, તાંબુલ તથા ભોગનો ત્યાગ કરવો.
ઘરના પૂજા સ્થાન પાસે ગોવરથી ગોચર્મ જેટલી પૃથ્વી લીંપવી. તેમાં ચંદન વડે મંડલ કરવું. તેમાં અષ્ટદલ કમલ આલેખવું. તેની વચમાં ‘ગાં ગીં ગૂં ગૈં ગૌં ગઃ’ એ મંત્ર વડે ન્યાસ કરી તે જ મંત્રથી આહ્વાન કરી સુંદર પુષ્પ તથા હળદરમાં અક્ષતથી ગણેશજીનું પૂજન કરવું. ગણેશજીમાં જ ચિત્ત રાખી વિધિથી તેમનું ધ્યાન ધરવું. જેમને એક દાંત છે. જેમનું શરીર મોટું છે. લાંબું પેટ છે, હાથી જેવું મુખ છે, જે વિઘ્નોનો નાશ કરે છે. તેવા હે ગણેશજી હું આપને સાષ્ટાંગ દંડવત્ કરું છું. હે વિનાયક, આપ મારું આ અર્ધ્યયુક્ત પૂજન ગ્રહણ કરો.’ આમ કહી આગચ્છ, આગચ્છ, આગચ્છ ત્રણ વખત બોલી તેમનું આવાહન કરવું. તે પછી તેમને આસન આપવું.
તેમને પુરાણના મંત્રો અથવા વેદના મંત્રો વડે ષોડ્શોપચારે પૂજન કરો. તેમની અગલ બગલમાં જે દેવ દેવી હોય તેમનું પણ ષોડ્ષોપચારે પૂજન કરો. આવી રીતે તેમનું પૂજન કર્યા પછી કણકી વગરના આખા ચોખા લઇ (એક ખોબો) તેનો લોટ કરવો. તેમાં શુદ્ધ ધી ઉમેરી દળેલી ખાંડ ભેળવી સફેદ લાડુ કરવા. તે લાડુ તેમને ભાવથી અર્પણ કરવા. સાંજે જ્યારે તેમનું પૂજન અર્ચન કરી રાત્રે જમવા બેસો ત્યારે તે લાડુનો પ્રસાદ ગ્રહણ કરવો. આ થઇ વિનાયક ચતુર્થીનું પૂજન કરવાની વિધિ. આ વ્રત આવી રીતે દમયંતીએ નળ રાજાને પુનઃ પ્રાપ્ત કરવા કર્યું હતું. મહાભારતના યુદ્ધમાં વિજય મેળવવા શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે. ચંદ્રે દક્ષનો શ્રાપ નિવારવા કર્યું હતું. જે કોઇ મનુષ્ય આ રીતે ગણેશ વિનાયકનું વ્રત કરે છે તે મનુષ્ય અનંત સુખ આ જન્મમાં ભોગવે છે.
ગણેશજીની કૃપા
પામવાનો વિશેષ પ્રયોગ:
વિનાયક ચતુર્થીને દિવસે જો કોઇ મનુષ્ય ગણેશ મંદિરમાં જઇ ર૧૦૦૦ જપ ‘ૐ ગં ગણેશાય નમઃ’ મંત્રના કરે તો તેને અપાર સુખ પ્રાપ્ત થાય છે. તે જો વિદ્યાર્થી હોય તો તેને ખૂબ ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય છે. તેને જો ધનની અપેક્ષા હોય તો તેને અપાર ધન પ્રાપ્ત થાય છે. જો કોઇને પુત્રની ઇચ્છા હોય તો ગણેશજીની અપાર કૃપાથી તેને ખૂબ ઝડપથી પુત્ર પ્રાપ્તિ થાય છે. અવિવાહિતનાં લગ્ન જલદી થાય છે.
આજે કરવા જેવો
એક અન્ય પ્રયોગ:
એક ૪૦૦ પાનાંની નોટ લાવી તેમાં ચાર ખાનાં પાડવાં. તેમાં શુભ ચોઘડિયામાં ‘ૐ ગં ગણપતયૈ નમઃ’ મંત્ર લખવાની શરૂઆત કરવી. ર૧૦૦૦ મંત્ર લખ્યા પછી તેના શુભ ફળ મળવાની શરુઆત થશે. જેમ જેમ વધુ મંત્ર લખાશે તેમ તેમ તેનાં શુભ પરિણામ પ્રાપ્ત થતાં જશે. આવી રીતે એક મંત્ર લખવાથી ત્રણ મંત્રનું ફળ પ્રાપ્ત થાય છે. એક લખવાથી બીજું મનન થવાથી તથા ત્રીજું ચક્ષુ દ્વારા મંત્ર નિહાળવાથી.
ક્યાં સુધી કરવું આ વ્રત:
ગણેશ પુરાણ તથા અન્ય ગ્રંથોમાં લખ્યું છે કે આ વ્રત મનુષ્યે શક્તિ હોય ત્યાં સુધી કરવું. એક વખત વ્રત લીધા પછી જીવ હોય ત્યાં સુધી કરવું. જો તે શક્ય ન હોય તો ર૧ વર્ષ અા વ્રત કરવું. જો કોઇ ગરીબ મનુષ્ય હોય તો તેણે એક વર્ષ કરવું. •
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ.

You might also like