જે રીતે બાબરી તોડી હતી તે રીતે રામ મંદિર બનાવાશેઃ કટિયાર

અયોધ્યાઃ ભાજપના નેતા વિનય કટિયારે ફરી એક વખત રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે. અયોધ્યા નજીક ફૈઝાબાદ ખાતે એક ચૂંટણી સભાને સંબોધતાં વિનય કટિયારે જણાવ્યું હતું કે જે રીતે બાબરી મસ્જિદ જમીન દોસ્ત કરવામાં આવી હતી તે રીતે જ સરકાર રામ મંદિર બનાવવશે.

તેમણે જણાવ્યું હતું કે આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે વોટ આપીને ભાજપને સત્તા અપાવશો. જે લોકો રામ મંદિર ઈચ્છતા નથી એ લોકો અરાજક તત્ત્વો છે અને દેશને બરબાદ કરી રહ્યા છે. જો ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવશે તો પૂરી તાકાત સાથે રામ મંદિર બનાવવામાં આવશે.

વિનય કટિયારે વધુમાં જણાવ્યું હતું કે રામ મંદિર બનાવવું હોય તો યુપીમાં ભાજપની સરકાર બનાવવી જરૂરી છે. રામ મંદિર ત્રણ રીતે બની શકે છે એક તો અદાલતના માધ્યમ દ્વારા બીજું વાટાઘાટો દ્વારા અને ત્રીજું સંસદમાં કાયદો લાવીને રામ મંદિર બનાવી શકાય છે, જ્યારે કટિયારને સવાલ કરવામાં આવ્યો કે શું મોદીના જ કાર્યકાળમાં રામમંદિર બનશે ? ત્યારે કટિયારે જણાવ્યું હતું કે હા. મોદીનાં જ કાર્યકાળમાં જ રામ મંદિર બનશે. વિનય કટિયારે વધુમાં જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ભૂલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like