ગામડાંઅોમાં દરેક ગરીબને ત્રણ વર્ષમાં મફત રસોઈ ગેસ મળશે

નવી દિલ્હી: ગ્રામીણ ક્ષેત્રોમાં હજુ પણ ચૂલા સળગાવી રહેલા ગરીબ ઘરોની ગૃહિણીઅોને ખૂબ જ જલદી ધુમાડાથી અાઝાદી મળશે. કેન્દ્ર સરકારે અા ગૃહિણીઅો માટે મફતમાં ગેસ કનેક્શન અાપવાની યોજના વડા પ્રધાન ઉજ્જવલ યોજનાને મંજૂરી અાપી દીધી છે. અાગામી ત્રણ વર્ષમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા પાંચ કરોડ પરિવારોને અેલપીજી કનેક્શન અાપવામાં અાવશે. સરકાર તેની પર ૮૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે અાર્થિક બાબતોની સમિતિઅે ઉજ્જવલ યોજના અેપ્રિલ ૨૦૧૬થી લાગુ કરવી પડશે. પહેલા વર્ષમાં દોઢ કરોડ ગરીબ ગૃહિણીઅોનાં રસોડાને એલપીજી સાથે જોડવામાં અાવશે. અા માટે બજેટમાં પણ ૨૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં અાવી છે. ગેસ કનેક્શન અાપવા માટે જરૂરી ૧૬૦૦ રૂપિયાની ચૂકવણી કેન્દ્ર સરકાર તરફથી કરવામાં અાવશે. સગડી ગ્રાહકે જ જાતે ખરીદવી પડશે. સરકારની અા યોજના લાખો મહિલાઅોને લાંબા અાયુષ્યની ભેટ અાપશે. કેમ કે િવશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ મુજબ ભારતમાં ચૂલો ફૂંકી ફૂંકીને રસોઈ બનાવવાના કારણે વર્ષે પાંચ લાખ મહિલાઅો મૃત્યુ પામે છે.

અા જ કારણ છે કે સરકારે અા યોજના હેઠળ ગેસ કનેક્શન ગૃહિણીઅોના નામે અાપવાનું નક્કી કર્યું છે. સરકારનાં અાહવાન પર લાખો લોકો સ્વેચ્છાઅે સબસિડીવાળા ગેસ કનેક્શન પરત કરી રહ્યા છે ત્યારે સરકાર તેમાંથી બચેલી રકમનો ઉપયોગ નવાં ગેસ કનેક્શન અાપવામાં કરી રહી છે. અત્યાર સુધી ૮૨.૨ લાખ લોકોઅે પોતાની સબસિડીવાળા ગેસ કનેક્શનને પાછાં અાપ્યાં છે. સરકારને સબસિડી તરીકે વર્ષે ૪,૧૬૬ કરોડ રૂપિયાની બચત થશે જેથી સરકારે માત્ર ૨,૦૦૦ કરોડ રૂપિયા જ ખર્ચવા પડશે.

You might also like