નાણાભીડ ટાળવા ગામડાંમાં ફરી વિનિમય પ્રથાનો પ્રારંભ!

નોટબંધી પછી ગામડાંમાં લોકો છતે પૈસે પૈસા વગરના બની રહ્યા છે અને આર્થિક વ્યવહારો ખોરવાઈ ગયા છે. જોકે કપરી પરિસ્થિતિમાં પણ ગામડાંના લોકો કોઠાસૂઝથી રસ્તો શોધી જ લેતા હોય છે. રોકડની અછતનો ઉકેલ રાજાશાહી વખતની વિનિમય પ્રથાથી શરૂ કરાયો છે. ખેડૂતો મજૂરો પાસે કામ કરાવી નાણાંને બદલે કોઈ વસ્તુ આપી વ્યવહાર કરી રહ્યા છે. અમરેલી-ગોંડલ તાલુકાનાં કેટલાંક ગામડાંમાં આ પ્રકારનો વિનિમય વ્યવહાર શરૂ થયો છે.

અમરેલીમાં રહેતા નિવૃત્ત કર્મી છગનભાઈ ગોટી કહે છે, “આઝાદી પહેલાં રજવાડાં સમયે સાવરકુંડલા ભાવનગર રાજ્યમાં આવતંુ અને અમરેલી ગાયકવાડ રાજ્યમાં હતું. બંનેનું ચલણ અલગ હતું. જેથી સાવરકુંડલાના ખેડૂતો અમરેલીમાં શાકભાજી વેચવા જાય તો જુદા ચલણના કારણે સામેવાળી વ્યક્તિની સમજૂતીથી શાકભાજી સામે દૂધ-અનાજ-કઠોળ અને ફળ અપાતાં. આ રીતે ઘરનું ગુજરાન ચલાવાય તેને વિનિમય પ્રથા કહેવાતી.” સાવરકુંડલાના અભરામપરાના જનકભાઈ પડસાલાને ખેતર ખેડવા બદલ કમલેશભાઈ નસિતે ૧૦ લિટર કેરોસીન આપ્યું હતું તો ગોંડલના ધુડશિયા ગામના મેપાભાઈ ભરવાડ રિક્ષામાં રોજબરોજ આવ-જા કરતાં મુસાફરો પાસેથી ભાડાપેટે ઢોર માટેનો ઘાસચારો મેળવે છે. મુન્નાભાઈ ઠુંમર ખેતમજૂરોને મજૂરીના બદલામાં દૂધ આપે છે. કૃત્રિમ નાણાભીડ ટાળવા આવો વિનિમય વ્યવહાર શરૂ થાય તે જરૂરી પણ છે.
http://sambhaavnews.com/

You might also like