પાલડી વિકાસગૃહમાં સીસીટીવી કેમેરા અને ફેન્સિંગ લગાવાશે

અમદાવાદ: નિઃસહાય અને પરિવારવિહોણી યુવતીઓ અને મહિલાઓ માટેનું આશ્રયસ્થાન એવા પાલડીના વિકાસગૃહમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં વિકાસગૃહ ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યું છે. થોડા દિવસ અગાઉ ત્રણ કિશોરીઓ વિકાસગૃહમાંથી નાસી છૂટી હતી. આવી ઘટનાઓને લઇને ઝોન-૭ ડીસીપી વિધિ ચૌધરીએ વિકાસગૃહના સત્તાધીશો સાથે ગઇ કાલે એક મિટિંગ યોજી હતી, જેમાં સુરક્ષાને લઇ સૂચનો કર્યાં હતાં.

વિકાસગૃહમાં સીસીટીવી કેમેરા લગાવવા, દીવાલોની હાઇટ વધારવી તેમજ ફેન્સિંગ કરાવવી અને મર્યાદિત પુરુષોને જ પ્રવેશ આપવા જણાવ્યું હતું. પોલીસ સૂચનોને સત્તાધીશોએ ધ્યાને લઇ ટૂંક સમયમાં આ તમામ કામગીરી કરવા અંગે ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

પ૬ વર્ષીય અમૃત પટેલે લખી-વાંચી, સાંભળી કે બોલી ન શકતી નિઃસહાય યુવતી પર બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં વિકાસગૃહના સત્તાધીશોએ બે દિવસ સુધી ઘટનાને છુપાવી રાખી હતી અને બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. સત્તાધીશોએ આટલી ગંભીર ઘટના બની હોવા છતાં સ્કૂલ કલાર્ક અમૃત પટેલ પાસે માત્ર માફીનામું જ લખાવ્યું હતું. રાજીનામું આપ્યા બાદ અમૃત પટેલ ફરાર થઇ જતાં પોલીસને જાણ કરી હતી.

ભૂતકાળમાં વિકાસગૃહમાંથી કિશોરીઓ-યુવતીઓ ભાગી છૂટી હોવાના બનાવ બન્યા છે. થોડા દિવસ અગાઉ ત્રણ કિશોરીઓ ગૃહમાંથી નાસી છૂટી હતી. જે બાબતે પોલીસને મોડી જાણ કરાઇ હતી અને પોલીસ બાદમાં ત્રણેયને શોધી લાવી હતી. પાલડી પોલીસ દ્વારા આ રીતે યુુવતીઓ ભાગી ન જાય તે માટે સખત સુરક્ષા વ્યવસ્થા કરાવવા અગાઉ પણ પત્ર લખ્યો હતો.

ઝોન-૭ ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે વિકાસગૃહના સત્તાધીશો સાથે ગઇ કાલે મિટિંગ યોજી સુરક્ષા વ્યવસ્થા અંગે જરૂરી સૂચનો કર્યા હતા અને તેઓ દ્વારા સૂચનો પર ત્વરિત અમલ કરાશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. પોલીસ દ્વારા કેમેરા લગાવવા, ફેન્સિંગ તેમજ મહિલાઓના ચેકઅપ માટે મહિલા ગાયનેકોલોજિસ્ટ, તેમજ સાઇકોલોજિસ્ટને બોલાવી તેઓની સારવાર કરાવવી. ઘટનાઓને લઇ પોલીસ હવે મહિનામાં બે વાર વિકાસગૃહની મુલાકાત પણ લેશે.

You might also like