વિજેન્દ્રનો વધુ એક નોકઆઉટઃ સૌથી લાંબી ફાઇટમાં રોયરને ધૂળ ચટાડી

લંડનઃ ભારતીય બોક્સર વિજેન્દ્રસિંહે પોતાનું ધમાકેદાર પ્રદર્શન ચાલુ રાખતા ફ્રાંસના મેટિયોજ રોયર પર મુક્કાઓનો વરસાદ વરસાવીને સતત પાંચમા મુકાબલામાં નોકઆઉટમાં જીત હાંસલ કરી છે. વિજેન્દ્રસિંહને છ રાઉન્ડમાં આ મુકાબલામાં પાંચમા રાઉન્ડમાં જ વિજેતા જાહેરાત કરાયો હતો.

મિડલવેઇટનો આ મુકાબલો ત્યારે પાંચમા રાઉન્ડની બીજી મિનિટમાં ચાલી રહ્યો હતો, ત્યારે તેને રોકી દેવામાં આવ્યો હતો. સંયોગથી વિજેન્દ્રસિંહનો આ અત્યાર સુધીનો આ સૌથી લાંબો મુકાબલો છે. ૩૦ વર્ષનો ભારતીય બોક્સર વિજેન્દ્રસિંહ અત્યાર સુધીના પોતાના સૌથી અનુભવી હરીફ સામે હતો. એક એવા બોક્સર સામે વિજેન્દ્રસિંહનો મુકાબલો હતો, જેને ૨૫૦ રાઉન્ડ રમવાનો અનુભવ હતો, પરંતુવિજેન્દ્રસિંહ રોયરને કંગાળ સાબિત કરવામાં કોઈ કસર છોડી નહોતો.

પાછલા મુકાબલાઓની જેમ જ વિજેન્દ્રસિંહ શરૂઆતથી જ છવાઈ ગયો હતો અને તેણે પોતાના હરીફને વાપસી કરવાની કોઈ તક આપી નહોતી. મુકાબલો સંપૂર્ણપણે એકતરફી રહ્યો હતો. રોયરે સમગ્ર મુકાબલા દરમિયાન પોતાનો બચાવ કરવામાં વ્યસ્ત રહ્યો હતો અને આ બધા વચ્ચે વિજેન્દ્રસિંહે જ્યારે પણ તક મળી ત્યારે મુક્કાઓનો વરસાદ વરસાવતો રહ્યો હતો. મુકાબલો આગળ વધવાની સાથે વિજેન્દ્રસિંહ વધુ અાક્રમક બનતો ગયો અને રોયર માટે મુકાબલામાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું. ફ્રાંસના બોક્સરે છેવટે પાંચમા રાઉન્ડમાં વિજેન્દ્રસિંહ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા.

વિજેન્દ્રસિંહ શનિવારે સતત પાંચમા નૉકઆઉટ બાઉટમાં વિજય મેળવી લીધા પછી પત્રકારોને કહ્યું હતું કે ”ફ્રાન્સના હરીફ મૅટિઑઝ રોયરનું મારા સચોટ અને પાવરફુલ પંચ સામે કંઈ નહોતું ચાલ્યું. સતત પાંચમો મુકાબલો જીત્યા પછી હું હવે આવતા મહિને સ્વદેશ પાછો ફરવાની તૈયારી કરી રહ્યો છું અને એ પહેલાં મને જે ખુશી થઈ રહી છે એની કોઈ સીમા નથી. જોકે, ભારત પાછા ફરતાં પહેલાં મારો વધુ એક બાઉટ થવાનો છે.” જૂનમાં ભારત પાછા ફરતાં પહેલાં હવે તે બૉસ્ટનમાં ૧૩મી મેએ એક વધુ મુકાબલો લડશે કે જે માટે તેના હરીફ બોક્સરનું નામ ટૂંક સમયમાં જાહેર કરાશે.

You might also like