વિજેન્દરે ૩ મિનિટમાં ડીન ગિલેનને હરાવી બીજી પ્રોફેશનલ મેચ જીતી

ડબલિન: ભારતના સુપર સ્ટાર બોક્સર વિજેન્દરસિંહે સતત બીજી પ્રોફેશનલ મેચ ત્રણ મિનિટથી પણ મોટા સમયમાં જીતી લીધી છે. ઓલિમ્પિક ચંદ્રક વિજેતા વિજેન્દરસિંહે પોતાના હરિફ ડીન ગિલેન પર એવી રીતે મુક્કાનો વરસાદ વરસાવ્યો કે તે બે વખત રિંગમાં પડી ગયો. ગિલેન જ્યારે બીજી વખત પડ્યો તો ફરી ઊઠી શક્યો ન હતો. નોંધનીય છે કે વિજેન્દ્રરે પોતાનો પહેલો મુકાબલો સોની વિટિંગને ત્રણ રાઉન્ડમાં હરાવી જીત્યો હતો.

વિજેન્દરે ઢોલ-નગારા વચ્ચે રીંગમાં પ્રવેશ કર્યો હતો. વિજેન્દરે શરૂઆતથી જ ગિલેન પર હુમલો શરૂ કર્યો હતો. બીજી મિનિટમાં જ વિજેન્દરના સીધા પંચ ગિલેનના ચહેરા પર પડતા તે ત્યાં જ પડી ગયો હતો. ત્યાર બાદ વિજેન્દરે જોરદાર પંચ લગાવ્યા અને ગિલેનને દોરડાની બોર્ડર પર ધકેલ્યો હતો. ગિલેને બચાવ કરવા કોશિશ કરી પરંતુ વિજેન્દરના એક વધુ પંચથી તે રીંગમાં પડી ગયો હતો.

રેફરીએ દસ સુધી કાઉન્ટ કર્યા પણ ગિલેન ઉઠવાની સ્થિતિમાં ન હતો. વિજેન્દરે જીતની ખુશીમાં પોતાના બન્ને હાથ ઉઠાવી દીધા. ઉલ્લેખનીય છે કે ગિલેને પોતાના પહેલા બંને પ્રોફેશનલ મુકાબલામાં જીત મેળવી હતી, પરંતુ વિજેન્દરના જોરદાર પંચે ગિલેનને મેચમાં ક્યાંય પણ ટકવા દીધો ન હતો.

વિજેન્દર હોલિવુડની એક્શન ફિલ્મમાં કામ કરશે
ભારતીય બોક્સિંગ સ્ટાર વિજેન્દરસિંહે પોતાનો પહેલો પ્રોફેશનલ મુકાબલો જીત્યા પછી હોલિવુડની નજરમાં આવી ગયો છે. અને હોલિવુડમાં ફિલ્મ બનાવનારા તેને ભવિષ્યમાં એક્શન સ્ટાર ગણાવે છે. વિજેન્દરે પોતાના પ્રથમ મુકાબલામાં સોની બાઇટિંગને નોકઆઉટ કર્યો હતો. હરિયાણાના ૩૦ વર્ષના વિજેન્દરે બોલિવુડ ફિલ્મ ‘ફગલી’માં કામ કરવા ઉપરાંત રિયલિટી શો ‘એમ ટીવી હીરો રોડીજ એક્સ-૨’માં નજરે પડી ચૂક્યો છે.

વિજેન્દરે પહેલા મુકાબલામાં એક જાણીતા ફિલ્મ નિર્દેશકનું ધ્યાન ખેંચ્યું છે જેમનું કહેવું છે કે વિજેન્દર તેની આવનારી એક્શન ફિલ્મમાં ભૂમિકા નિભાવશે. તેમનું માનવું છે કે વિજેન્દર એશિયાના બૂસલી અને જેકીચાન જેવો એક્શન સ્ટાર બની શકે છે. મેં માત્ર તેનો એટલો મુકાબલો જોયો છે અને બોક્સિંગ ચાહક હોવાના કારણે મારા માટે કંઇક ખાસ છે.

You might also like